1962 એનિમલ હેલ્પલાઇન ઘોરનિદ્રામાં:જસદણના નવાગામે ઢોરમાં ખરવાનો રોગચાળો ફેલાયો

જસદણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પશુ દવાખાનામાં સ્ટાફનો પણ અભાવ

જસદણના નવાગામમાં ચાર દિવસથી પાલતું, રખડતા ઢોરમાં ખરવા નામનો રોગચાળો ફેલાતાં પશુઓ ઉભા રહી શકતા નથી. આ રોગના કારણે પશુઓના પગમા જીવાતો પડતાં ઢોરને અસહ્ય પીડા ઉપડે છે. છતાં 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ઘોર નિંદ્રામાં પોઢી રહેતું હોવાનું નવાગામના માલધારી અને સામાજિક કાર્યકર રણછોડભાઈ પરમારે જણાવી ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

વધુમાં જણાવ્યું હતું કે, નવાગામમાં ધણીયાત, નધણીયાત અનેક ઢોરને પગે ખરવાની બીમારીને કારણે જીવાતો પડી ગઈ છે. આના કારણે 1962 એનિમલ હેલ્પલાઈનમાં ફોન કર્યો. પણ હજુ સુધી કોઈ ડોકાયા નથી. જસદણમાં પશુ દવાખાનાઓમાં પૂરતો સ્ટાફ અને દવાઓનો અભાવ છે. 1962 એનિમલ હેલ્પલાઈન એમ્બ્યુલન્સને ફોન કરીએ છીએ તો સમયસર હાજર રહેતી નથી અને એની પાસે પશુઓની દવા હોતી નથી. એક તરફ સરકાર કહે છે કે અમે પશુઓની સારવાર ઘરઆંગણે કરીશું. પણ હાલ અમારા ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હોવા છતાં આ એમ્બ્યુલન્સ કોમામાં હોય તેવો ઘાટ ઘડાયો છે.

હાલ નવાગામમાં પશુઓમાં રોગચાળો પ્રસરી રહ્યો છે ત્યારે કોઈ માલઢોર મરણને ભેટે તે પહેલાં જવાબદારો 1962 ને દવાઓથી સજ્જ કરે અને જસદણ પંથકના પશુ દવાખાનામાં પૂરતાં ડોકટરો અને દવાઓ ઉપલબ્ધ કરાવે તેવી અંતમાં તેમણે માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...