ચાલકો પરેશાન:જસદણની મુખ્ય બજારમાં ભારે વાહનોની પ્રવેશબંધીના નિયમનો ખુલ્લેઆમ ભંગ

જસદણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જ્યાં લોકોની સૌથી વધુ અવરજવર રહે છે તેવા વિસ્તારમાં જ ટ્રાફિકજામની માથાફોડ સમસ્યાથી ચાલકો પરેશાન
  • જસદણ શહેરમાં ઠેક-ઠેકાણે ઊભા રહેલા ટ્રાફિક વોર્ડન ફરજપરસ્ત હોવાને બદલે મોબાઇલમાં જ વ્યસ્ત

જસદણમાં જાણે કે પોલીસનું અસ્તિત્વ જ ન હોય તેવા ઘાટ છેલ્લા ઘણા વર્ષોથી જોવા મળી રહ્યા છે. શહેરની મેઈન બજારમાં મોટા વાહનો માટે પ્રવેશબંધી હોવા છતાં અનેક વાહન ચાલકો પોતાના મસમોટા વાહનો મનફાવે ત્યાં પાર્કિંગ કરી જતા રહેતા હોવાથી અવારનવાર ટ્રાફિક સમસ્યા સર્જાય છે. જેના કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોમાં સ્થાનિક પોલીસ તંત્રની કામગીરી સામે ભારે નારાજગી ઉઠવા પામી છે.

અધૂરામાં પુરૂ જસદણ પોલીસ દ્વારા શહેરભરમાં ઠેક-ઠેકાણે ટ્રાફિક વોર્ડન મૂકવામાં આવ્યા છે. પરંતુ તે માત્ર ટાઈમ પાસ કરી સમગ્ર તમાશો ચુપચાપ જોતા રહેતા હોવાથી શહેરીજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જેથી જો સ્થાનિક પોલીસ તંત્રને જરા પણ ટ્રાફિક પ્રશ્ને શરમ લાગતી હોય તો નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે ધોરણસરની કાર્યવાહી હાથધરે તેવી લોકોની પ્રબળ માંગણી ઉઠવા પામી છે.

ટ્રાફિકની સમસ્યા છતાં પોલીસ મૂક પ્રેક્ષકની ભૂમિકામાં
​​​​​​​જસદણ શહેરમાં વર્ષોથી ટ્રાફિક સમસ્યા ફાટીને ધુમાડે ગઈ છે. ખાસ કરીને જસદણની મેઈન બજારમાં 105 જેટલા ગામોના લોકો હટાણું કરવા માટે આવે છે. પરંતુ જસદણ પોલીસની અણઆવડતના કારણે શહેરની મેઈન બજારમાં અવારનવાર ટ્રાફિક સમસ્યા સર્જાય છે. જેના કારણે રાહદારીઓ તેમજ નાના વાહનચાલકોને મેઈન બજારમાંથી પસાર થવામાં સતત અકસ્માતનો ભય રહે છે. જેથી સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા વાહનચાલકો પાસે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

વન-વેનાં નિયમનું વાહનચાલકો કરી રહ્યા છે છડેચોક ઉલ્લંઘન
જસદણ શહેરમાં જાણેકે પોલીસનું અસ્તિત્વ જ ન હોય તેમ વન-વેનાં નિયમનું વાહનચાલકો છડેચોક ઉલ્લંઘન કરી રહ્યા છે. જ્યારે સ્થાનિક પોલીસ આ બધું નજરો નજર જોયા કરે છે. અહી પોલીસ જાણે કે જોતી નથી, સાંભળતી નથી અને બોલતી પણ નથી, તેવી હાલત જોવા મળી રહી છે.

જસદણ પંથકમાં લોકદરબારના નામે માત્ર ડીંડક ચાલે છે?!
જસદણ પોલીસ મથકમાં જ્યારે પણ પોલીસનો લોક દરબાર યોજવામાં આવે છે. ત્યારે શહેરના જાગૃત નાગરીકો દ્વારા ટ્રાફિક સમસ્યા અંગે અવારનવાર રજૂઆતો કરવામાં આવે છે. ત્યારે ખુરશી ઉપર બેઠેલા કહેવાતા લોકોના રક્ષક માત્ર આશ્વાસનો આપી હાશકારો અનુભવે છે. જેના કારણે સમસ્યા જેમની તેમ જ રહે છે. જો કે હવે શહેરીજનો પણ ટ્રાફિક પ્રશ્ને કંઈ કહેવા કરતા મૂંગા બેસવાનું વધારે પસંદ કરે છે. જેથી ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા ટ્રાફિક પ્રશ્ને યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી શહેરીજનોની માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...