જસદણ સિંચાઈ વિભાગ હસ્તકના જસદણ અને વીંછિયા પંથકમાં કુલ 22 જળાશયો આવેલા છે. પરંતુ ઉનાળાના પ્રારંભે જ જસદણ-વીંછિયા પંથકના 22 જળાશય પૈકી માત્ર 3 જળાશયમાં જ પાણી ભરેલું હોવાથી બાકીના તમામ જળાશય કોરાધાકડ થઈ જતા અનેક ગામોમાં પીવાના પાણીનું સંકટ વધ્યું છે.
આગામી દિવસોમાં જસદણ-વીંછિયા પંથકનાં આજુબાજુના અનેક ગામોના લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડશે તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે. હાલ ઉનાળાના પ્રારંભે જ આલણસાગર ડેમ, આધીયા ડેમ અને રાજાવડલા ડેમને બાદ કરતા તમામ જળાશયો ખાલી થવાના આરે છે.
જેના કારણે લોકોને ઉનાળા દરમિયાન પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડશે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જેથી રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના હેઠળ જસદણ-વીંછિયા તાલુકાના તમામ જળાશયોમાં નર્મદાના નીર ઠાલવવામાં આવે તેવી બન્ને પંથકનાં લોકોની માંગ ઉઠવા પામી છે.
આલણસાગર, આધિયા, રાજાવડલા ડેમમાં થોડો જળ જથ્થો
હજુ તો ઉનાળાની શરૂઆત જ થઈ છે. ત્યાં જ જસદણ-વીંછિયામાં પીવાના પાણીનો પોકાર ઉઠવા લાગ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જસદણ-વીંછિયા પંથકના જળાશયો નર્મદાના નીરથી ભરી આપવાની જાહેરાત કરાઇ હતી, પરંતુ સૌની યોજના હેઠળ અમુક જ ડેમ ભરાયા હોવાથી બાકીના તમામ જળાશયોના તળીયા દેખાઈ ગયા છે.
હાલ જસદણ-વીંછિયા તાલુકાના આલણસાગર, આધીયા અને રાજાવડલા ડેમને બાદ કરતા તમામ જળાશયો અત્યારથી જ કોરાધાકડ થઈ ગયા છે. જેથી આવનારા સમયમાં બન્ને પંથકમાં પીવાના પાણીની કેવી સ્થિતિ સર્જાશે તેવું વિચારતા જ લોકોને પરસેવો વળી રહ્યો છે.
જળાશયોનું ચિત્ર ચિંતા ઉપજાવે તેવું
સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર પ્રિયાંક ભોયાએ જણાવ્યું હતું કે, જસદણ-વીંછિયા તાલુકામાં કુલ 22 જળાશય આવેલા છે. જેમાં આલણસાગર ડેમમાં-18 ફૂટ, આધીયા ડેમમાં-17 ફૂટ અને રાજાવડલા ડેમમાં-9 ફૂટ જ પાણી ભરેલું છે. ે રાણીંગપર, શિવસાગર, રેવાણીયા, પાનેલીયા, પાટીયાળી, દેવધરી, સનાળા, વનાળા, ગોખલાણા, ગુંદાળા(જામ), વિરનગર, કોટડાભાડેર, આંકડીયા(સરતાનપર), આંબરડી, ઓરી, ગોરૈયા, નાનામાત્રા, કનેસરા અને હાથસણી ડેમો ખાલી છે.
પછી નર્મદા નીર જોઇશે
અત્યારે તો પાનેલીયા તળાવમાં 8-10 દિવસ ચાલે તેટલું પાણી છે. પછી નર્મદાના પાણીની જરૂરીયાત ઉભી થશે. અમારા પાનેલીયા તળાવ સુધી સૌની યોજનાની પાઈપલાઈન નખાયેલી છે. જેથી પાણી પુરવઠા વિભાગને આગામી બે-ત્રણ દિવસમાં નર્મદાનું પાણી આપવાની વાત કરી છે. જો પાણી પુરવઠા વિભાગ નર્મદાનું પાણી નહી આપે તો પાણીની તંગી પડશે. - પ્રવીણભાઇ ઓળકિયા, કોટડાના સરપંચ
દસમા દિવસે પાણી મળે
પહેલા પાણી પુરવઠા વિભાગ દ્વારા દર ચોથા દિવસે 24 કલાક પાણી આપવામાં આવતું હતું. પણ નવા અધિકારી આવ્યા છે એટલે 12 કલાક પાણી અપાય છે. પંચાયતનો કૂવો ખાલી છે. અમને મોઢુકા સંપમાંથી પાઈપ મારફત પાણી મળે છે. પહેલા દર ચોથા દિવસે 24 કલાક પાણી આપતા હતા,હવે માત્ર 12 કલાક જ પાણી અપાતું હોવાથી અમારે ત્રણ ઝોન પાડવા પડતા હોવાથી ગ્રામજનોને દર દસમાં દિવસે પાણી મળે છે. > તખુબેન ઓળકિયા, કંધેવાળિયાના સરપંચ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.