માર્ગ-મકાન વિભાગને ફરજ યાદ આવી:જસદણ તાલુકાના શિવરાજપુર ગામે 30 આસામીને તાકીદે દબાણ હટાવવા નોટિસ

જસદણ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દબાણના કારણે નદીનું પાણી વિવિધ વિસ્તારોમાં ઘૂસી જતું હોવાથી જીવ જોખમમાં મુકાતા હતા

જસદણના શિવરાજપુર ગામે દબાણકારોને જાણે કે સરકારી તંત્રની કોઈ બીક જ ન હોય તેમ શિવરાજપુર-લાલકાવાવ મેઈન રોડ પર દુકાનો ખડકી દઈ ગેરકાયદેસર દબાણો ખડકી દેતા ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.

જોકે આ અંગે શિવરાજપુરના ગ્રામજનોએ જસદણ માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ, ટીડીઓ, મામલતદાર, તલાટી મંત્રી, સરપંચ અને જસદણ પીઆઈ સહિતનાને અનેકવાર લેખિતમાં આ ગેરકાયદેસર ખડકવામાં આવેલ દબાણ હટાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. છતાં જવાબદાર તંત્ર ગેરકાયદેસર દબાણ હટાવવામાં નિષ્ફળ નીવડતા ગ્રામજનોમાં જવાબદાર તંત્રની કામગીરી સામે ભારે નારાજગી ઉઠવા પામી હતી.

આ અહેવાલ ગત તા.10 ના દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત કરાતા આખરે માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ તંત્ર સફાળું જાગ્યું હતું અને નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા શિવરાજપુર ગામના 30 જેટલા દબાણકારોને 7 દિવસમાં તમામ દબાણો સ્વૈચ્છિક દૂર કરવા અન્યથા સરકારના પ્રવર્તમાન નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેવી નોટિસ ફટકારવામાં આવતા દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સાત દિવસમાં દબાણ ન હટે તો કાર્યવાહી માટે તૈયાર રહેવા અલ્ટિમેટમ
માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગના કાર્યપાલક ઈજનેર દ્વારા શિવરાજપુર ગામના 30 જેટલા ગેરકાયદેસર દબાણો કરનારા દબાણકારને નોટિસ ફટકારવામાં આવી છે.

જેમાં જણાવાયું છે કે, અત્રેની કચેરી હસ્તકના શિવરાજપુર-લાલકાવાવ રોડની બાજુમાં દબાણ કરી સરકારના મહેસુલ વિભાગના ઠરાવ નં.જપવ-1079-2064-ક, તા.17-7-80 મુજબના રેખા નિયંત્રણના નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે. જેથી આ નોટિસથી જણાવવામાં આવે છે કે આ દબાણ દિન-7 માં આપ દૂર કરવામાં નહીં આવે તો સરકારના પ્રવર્તમાન નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...