તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતો નિરાશ:પૂરતા ભાવ ન મળતાં રેવાણિયા ગામના ખેડૂતોએ શાકભાજી રોડ પર ફેંકી દીધાં

જસદણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પૂરતા ભાવ ન મળતા શાકભાજી પશુધનને ચારા તરીકે આપી દીધો. - Divya Bhaskar
પૂરતા ભાવ ન મળતા શાકભાજી પશુધનને ચારા તરીકે આપી દીધો.
  • યાર્ડમાં 20 કિલો શાકભાજીના માત્ર રૂ.30 જ મળતા હોવાથી ખેડૂતો નિરાશ
  • વેપારીઓ ખેડૂતો પાસેથી સસ્તા ભાવે શાકભાજી ખરીદી ઊંચા ભાવે વેચે છે

વીંછિયાના રેવાણીયા રોડ પર ખેડૂતોએ ગુવાર સહિતના શાકભાજી રોડ પર જ ફેંકી દઈ રોષ વ્યક્ત કર્યો હતો. વીંછિયા પંથકના ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં 20 કિલો શાકભાજીના ભાવ માત્ર રૂ.30 જ મળતા હોવાથી ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. એક તરફ ખેડૂતો દ્વારા મોંઘાદાટ બિયારણો અને દવાઓના રૂપિયા ખર્ચી પોતાની વાડી-ખેતરોમાં શાકભાજી ઉગાડવામાં આવે છે. પરંતુ ખેડૂતો જ્યારે માર્કેટિંગ યાર્ડમાં પોતે વાવેલા શાકભાજી વેચવા માટે જાય છે ત્યારે પૂરતો ભાવ મળતો ન હોવાથી ખેડૂતો પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા છે. હાલ વીંછિયા પંથકના ખેડૂતોને શાકભાજી ઉતારવાની મજૂરી પણ ચૂકવવી મુશ્કેલ બની ગઈ છે.

જો કે ખેડૂતના વાડી-ખેતરમાં એક મજૂરની મજૂરી રૂ.300 ચુકવવામાં આવે છે. પરંતુ ખેડૂત જ્યારે પોતાના વાડી-ખેતરમાં ઉગેલા શાકભાજી ઉગાડીને માર્કેટિંગ યાર્ડના વેપારીને વેચવા માટે જાય છે ત્યારે પૂરતો ભાવ આપવામાં આવતો નથી. આ અંગે વીંછિયા પંથકના ખેડૂતો આક્ષેપો કરી રહ્યા છે કે, ખેડૂત શાકભાજી વેચવા જાય છે ત્યારે માર્કેટિંગ યાર્ડના વેપારીઓ 20 કિલો શાકભાજીના ભાવ માત્ર રૂ.30 ચૂકવી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે.

બાદમાં તેજ વેપારીઓ પોતાની દુકાન કે લારીમાં 20 કિલો શાકભાજી રૂ.600 માં વહેંચી પોતાના ગજવા ભરી રહ્યા છે. આથી રાજ્ય સરકાર વહેલી તકે વીંછિયા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરે અને ખેડૂતોને શાકભાજીના પૂરતા ભાવ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી ખેડૂતોની માંગણી ઉઠવા પામી છે.

યાર્ડમાં શાકભાજી દેવા તેના કરતા રોડ પર ફેંકી દેવા પોસાય
ખેડૂતો એટલા માટે રોડ પર ગુવાર સહિતના શાકભાજી ફેંકી રહ્યા છે કે તેમને યાર્ડમાં પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળતા. યાર્ડમાં વેપારીઓ મણ શાકભાજીના માત્ર રૂ.30 જ ચુકવે છે. આ ભાવે ખેડૂતોને મજૂરી પણ છૂટતી નથી. આજે મારે 15 મણ શાકભાજીના માત્ર રૂ.450 આવ્યા છે અને આજ શાકભાજી વેપારીઓ લારીમાં મણ દીઠ રૂ.600માં આપે છે. મજૂરો રાખીને શાકભાજી ઉપાડવી એના કરતા તો રોડ પર શાકભાજી નાંખી દેવી ખેડૂતોને પોસાય છે. - રાયધનભાઈ, ખેડૂત, રેવાણિયા ગામ

કિલો મરચાના રૂ. 2 જ મળે છે
હાલ ગુવાર સહિતના અનેક શાકભાજીના એકમણ દીઠ રૂ.30 મળે છે. જ્યારે મરચા એક કિલોના રૂ.2 જ અમને વેપારીઓ દ્વારા ચૂકવવામાં આવે છે. જેના કારણે વેપારીઓ નાછૂટકે પોતાના શાકભાજી રોડ પર ફેંકી રહ્યા છે.એકબાજુ ખેડૂતો પર કુદરત પણ રૂઠી ગઇ છે અને ચાલુ ચોમાસામાં માત્ર ત્રણ ઈંચ જેટલો જ વરસાદ પડ્યો છે. ત્યારે ખેડૂતોને શાકભાજીના પૂરતા ભાવ મળતા ન હોવાથી પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. - વિક્રમભાઈ, ખેડૂત, રેવાણિયા ગામ

અન્ય સમાચારો પણ છે...