જસદણ એસટી ડેપો દ્વારા જસદણથી સુરત લકઝરી એસ.ટી. બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ એસટી નિગમને 150 થી વધુ બસો ફાળવવામાં આવેલી છે. જેમાં જસદણ ડેપો ખાતે ફાળવેલ બસને મુસાફરોની ટ્રાફિકની ભીડને લઈને ડેપો મેનેજર પી.યુ.મીર દ્વારા સુરત રૂટ પર દોડાવવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં ૐ શાંતિ સંસ્થા દ્વારા પૂજન વિધિ કરીને લકઝરી એસ.ટી. બસને લીલી ઝંડી આપવામાં આવી હતી.
આ બસ જસદણથી સાંજે 6-30 કલાકે ઉપડશે અને વાયા પાળીયાદ, રાણપુર, ધંધુકા, ખેડા, નડીયાદ, વડોદરા થઈને સુરત જશે અને તે જ રૂટ પર સુરતથી રાત્રે 8-45 ઉપડીને જસદણ પરત ફરશે. પહેલી બસમાં જસદણથી સુરત 42 મુસાફરો સુરત પહોંચ્યા હતા અને આ બસમાં ટોટલ 42 મુસાફરો બેસી શકે છે. આ તકે જસદણના ડેપો મેનેજર પી.યુ.મીર, જસદણ જીઆઈડીસીના પ્રમુખ વિજયભાઈ રાઠોડ, કર્મચારી મંડળના પ્રમુખ દિલીપભાઈ ગીડા, મજુર મહાજનના પ્રમુખ ભરતભાઈ તેરૈયા, ભારતીય મજદૂર સંઘના પ્રમુખ અનવરભાઈ પઠાણ સહિતના ત્રણેય યુનિયનના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.