કામગીરી:જસદણમાં પાઈપ નાખવા પાલિકાએ CC રોડ તોડ્યો

જસદણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જ્યાં પાઇપ નખાઈ રહ્યા છે ત્યાં વરસાદી પાણી ભરાતું જ નથી

જસદણ નગરપાલિકા તંત્રને પ્રજાના પરસેવાના પૈસાનો વેડફાટ કરતા અટકાવવા માટે જાણે કે કોઈ કહેવાવાળું જ ન હોય તેમ શહેરના ચોટીલા રોડ પર આવેલ તાલુકા સેવાસદન કચેરીથી લઈને છેક આરામગૃહ સુધી વરસાદી પાણીના નિકાલ માટે લાખોના ખર્ચે નવા પાઈપ નાખવામાં આવી રહ્યા છે. જો કે હાલ જ્યાં જસદણ નગરપાલિકા તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલના પાઈપ નાખવામાં આવી રહ્યા છે.

ત્યાં ક્યારેય વરસાદી પાણીનો ભરવો થયો નથી અને નગરજનો દ્વારા આ અંગે ક્યારેય નગરપાલિકામાં ફરિયાદ પણ કરવામાં આવી નથી. છતાં ક્યાં કારણોસર જસદણ નગરપાલિકાને આ નવું ડહાપણ સુઝ્યું છે તે એક નગરજનો માટે સવાલ બની ગયો છે.

અધૂરામાં પૂરું આ કામના કોન્ટ્રાક્ટર દ્વારા પોતાના ઘરની ધોરાજી ચલાવી જસદણ નગરપાલિકાએ જ બનાવેલો સિમેન્ટ રોડ જેસીબીની મદદથી તોડવામાં આવી રહ્યો છે. છતાં જસદણ નગરપાલિકાના જવાબદાર એન્જીનીયર કે અન્ય કોઈ કર્મચારીઓ ડોકાતા પણ ન હોવાથી નારાજગી ઉઠવા પામી છે.

આ વિસ્તારમાં ક્યારેય એક તગારું પાણી પણ ભરાયું નથી
હાલ જ્યાં વરસાદી પાણીના નિકાલના પાઈપ નાખવામાં આવી રહ્યા છે. ત્યાં ક્યારેય એક તગારું પાણી પણ ભરાતું નથી. ખરેખર પાલિકા દ્વારા આ ખોટા ખર્ચા કરવામાં આવી રહ્યા છે. હાલ શ્રીજી પ્રેસથી લઈને તાલુકા સેવાસદન સુધી પાઈપ નાખવામાં આવી રહ્યા છે ત્યાં ક્યારેય વરસાદી પાણી ભરાતા જ નથી. માત્ર રોકડીયા હનુમાનજી મંદિર સામે એક જગ્યાએ જ પાણી ભરાતું હતું.

ત્યાં અગાઉ અમે જોઈન્ટ પણ આપી દીધું છે. આ કામના કોન્ટ્રાક્ટરે જેસીબીથી સિમેન્ટ રોડ પણ તોડી નાખી એક કરતા બીજી કરી છે. હાલ જે જગ્યાએ રોડ તોડી નાખ્યો છે એ અમને ફરીથી ક્યારે મળશે તે પણ ખબર નથી. ખરેખર આ સરકારના અને પ્રજાના પરસેવાના પૈસાનું પાણી જ કરવામાં આવી રહ્યું છે.> બીજલભાઈ ભેસજાળીયા-વોર્ડ નં-2 ના કોર્પોરેટર

જનરલ બોર્ડના ઠરાવને ધ્યાને લઈને જ કામ થઇ રહ્યું છે
હાલ ત્યાં વરસાદી પાણીના નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામ જે તે સમયે તે વોર્ડના કોર્પોરેટરે જ મંજૂર કરાવ્યું હશે અને જનરલ બોર્ડના ઠરાવને ધ્યાને લઈને જ તે કામ કરવામાં આવી રહ્યું છે. કદાચ આ કામગીરી દરમિયાન અમુક જગ્યાએ રોડને નુકસાન પહોંચ્યું હશે તો તે હું જોવડાવી લઉં છું અને જે જગ્યાએ રોડને નુકસાન થયું હશે ત્યાં અમે રીપેરીંગ કરાવી આપીશું. બને ત્યાં સુધી રોડને નુકસાન ન પહોંચે તે માટે હું અત્યારે જ તેમને સુચના આપી દઉં છું. > અશ્વિન વ્યાસ: ચીફ ઓફિસર,જસદણ નગરપાલિકા.

અન્ય સમાચારો પણ છે...