પોલીસને પડકાર:આટકોટના શખ્સે દારૂની બોટલ, સોડાની બોટલ, દારૂ ભરેલા ગ્લાસ, પિસ્તોલ દેખાડતો વીડિયો ફેસબુકમાં અપલોડ કર્યો

જસદણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

જસદણ શહેર અને પંથકમાં જાણે કે દારૂડિયાઓને પોલીસનો ડર જ ન હોય તેમ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. થોડા દિવસ પહેલા જ જસદણના મફતિયાપરામાં ચાર યુવાન ગીતના સંગીત સાથે દારૂ ઢીંચી રહ્યાં હતાં અને એકબીજા પર ઉડાડી રહ્યાં હતાં.

જ્યારે હમણા તાજેતરમાં જસદણના ગઢડિયા ગામે એક શખ્સ જાહેરમાં દારૂ પીને મને પોલીસની બીક નથી તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હતો તેને લોકો હજી ભુલ્યા પણ નથી. ત્યારે વધુ એક વીડિયો ફેસબુક પર વાઇરલ થયો હતો. જેમાં જસદણ તાલુકાના આટકોટ ગામનો એક શખ્સ દારૂની બોટલ, સોડાની બોટલ, દારૂ ભરેલા પ્લાસ્ટિકના ગ્લાસ અને નાસ્તા સાથે પિસ્તોલ દેખાડી રહ્યો છે. આ વીડિયો આટકોટના જુણેજા સદામ હુસેન નામના વ્યક્તિએ ફેસબુક ઉપર પોસ્ટ કર્યો હોવાનું ધ્યાને આવ્યું હતું.

આ વીડિયોને ફેસબુક ઉપર મૂકીને જાણે કે આ શખ્સે આટકોટ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેવું લાગી રહ્યું છે. જોકે આ અંગે આટકોટ પોલીસ મથકના પીએસઆઈ જે.એસ. સિસોદિયા સાથે ટેલિફોનિક વાતચીત થતા તેમણે જણાવ્યું હતું કે, હું રજા પર છું અને તે વીડિયો ધ્યાને આવતા મેં ચાર્જમાં રહેલા સ્ટાફને જાણ કરી દીધી છે. પ્રાથમિક રીતે જોતા એવું લાગે છે કે આ શખ્સ આટકોટનો જ છે. જોકે તેની તપાસ ચાલુ છે ત્યારબાદ ખબર પડે.

અન્ય સમાચારો પણ છે...