ચોરી:જસદણમાં શાકમાર્કેટ નજીક આવેલા શિવમ કોમ્પ્લેક્સની એક સાથે 8 દુકાનના તાળાં તૂટ્યાં

જસદણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરો પોતાના તહેવારો સુધારી લેવાના મૂડમાં: રોકડ, સાડી, કટલેરી સહિતનો સામાન ચોરાયો
  • સવારે દુકાને આવ્યા તો શટરના નકુચા, તાળા તૂટેલા જોઈ તમામ વેપારીઓને ચોરીની જાણ થઇ

જસદણમાં જાણે કે પોલીસનું અસ્તિત્વ જ ન હોય તેમ દારૂ, જુગાર, મારામારી, ચોરી સહિતના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. છતાં સ્થાનિક પોલીસ તંત્ર આરોપીઓને પકડી પાડી કાયદાનું ભાન કરાવવામાં ઉણું ઉતરતું હોવાથી ગુનેગારોને મોકળું મેદાન મળી રહ્યું છે. ત્યારે જસદણમાં તસ્કરોને જાણે કે પોલીસનો ડર જ ન હોય તેમ એક જ રાતમાં શહેરની મધ્યમાં આવેલઅ કોમ્પલેક્ષની 8 દુકાનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપતા સ્થાનિક પોલીસ તંત્રની કામગીરી સામે લોકોમાં વધુ એક સવાલ ઉઠવા પામ્યો હતો.

જેમાં જસદણમાં શાકમાર્કેટ નજીક આવેલ શિવમ કોમ્પલેક્ષની 8 દુકાનને મોડી રાત્રે અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી દુકાનોના તાળાં તોડતા ચકચાર મચી ગઈ હતી. તસ્કરોએ કોમ્પલેક્ષમાં રહેલી કટલેરી, સાડી અને કાપડની દુકાનોના શટરના નકુચા અને તાળા તોડી પોલીસનો ખોફ રાખ્યા વગર અંદર ઘુસી જઈ દુકાનોમાં રહેલી રોકડ, કટલેરી, સાડી વગેરેની ચોરી કરી રફુચક્કર થઈ જતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

બાદમાં સવારે વેપારીઓ પોતાની દુકાને આવ્યા ત્યારે શટરના નકુચા અને તાળા તૂટેલા જોઈ ચોરી થયાનું જણાતા તાત્કાલિક જસદણ પોલીસને જાણ કરવામાં આવી હતી. ચોરીના આ બનાવની જાણ થતા જસદણ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જો કે જેઓને ત્યાં ચોરી થઈ છે તે તમામ દુકાન સંચાલકોના જસદણ પોલીસે નિવેદનો લઈ અજાણ્યા તસ્કરોને પકડી પાડવા તજવીજ હાથ ધરી હતી. જો આ ચોરી અંગે કોઈ વેપારી દ્વારા ફરિયાદ દાખલ થશે તો ડોગસ્કવોડ, એફએસએલ સહિતની બાબતોને આધારે તપાસ કરાશે તેમ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...