તસ્કરી:વીંછિયામાં પોલીસ ચોકીની બાજુમાં જ આવેલી 3 દુકાનના તાળા તોડીને ચોરી

જસદણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસને તસ્કરોનો ખુલ્લો પડકાર| સાણથલી ગામે ત્રણ દુકાનમાં તસ્કરીની ફરિયાદ

જસદણના વીંછિયા અને સાણથલીમાં તસ્કરો બેફામ બન્યા છે અને એક પછી એક ચોરીને અંજામ આપી પોલીસને સીધો પડકાર ફેંકી રહ્યા છે કે રોક શકો તો રોક લો. પોલીસ તંત્રની ઢીલી નીતિના લીધે ચોરોની કારી ફાવી જાય છે. વીંછિયામાં તો પોલીસ સ્ટેશન નજીકની જ ત્રણ દુકાન તસ્કરોએ નિશાન બનાવી હતી તો સાણથલીમાં પણ ત્રણ દુકાનોમાં ચોરોએ હાથફેરો કર્યો હતો. પોલીસને આ બનાવની જાણ કરી છે. અગાઉની રૂ.7.50 લાખની ચોરીનો ભેદ હજુ ખુલ્યો નથી ત્યાં આંબલી ચોક વિસ્તારમાં આવેલી પોલીસ ચોકીની બાજુમાં જ નવકાર શોપિંગ સેન્ટરમાં ગત મોડી રાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા.

આ ચોરીના બનાવમાં તસ્કરોએ ત્રણ દુકાનના તાળા તોડી દુકાનમાંથી રૂ.1500 રોકડા તેમજ અન્ય માલ-સામાનની ચોરી કરીને નાસી ગયા હતા.જ્યારે વિંછીયા પંથકમાં ત્રીજીવાર આ ચોરીનો બનાવ બન્યો હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા આજદિન સુધીમાં કોઈ તપાસ કરવામાં આવી નથી. જેથી આ ચોરીના બનાવને અંજામ આપનારા અજાણ્યા ચોરોને પકડી પાડી કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

જ્યારે સાણથલી ગામે પણ ત્રણ દુકાનમાં ત્રાટકીને તસ્કરોએ ધનલાભ મેળવ્યો હતો. સાણથલીના આટકોટ રોડ ઉપર ઈશ્વરીયા તરફના ગેટની બાજુમાં આવેલ ખોડાભાઈ ભરવાડની દુકાનમાં શટરના તાળા તોડી રોકડ રકમ તેમજ માલ સામાનની તસ્કરો ઉઠાંતરી કરી ગયા તેમજ અન્ય બે દુકાનમાં પણ ચોરી કરવાના પ્રયાસ થયા છે જે અંગેની આટકોટ પોલીસ સ્ટેશનમાં જાણ પણ કરવામાં આવી છે. રાણા સ્ટોરમાંથી 5 લિટર તેલના કેન એક લીટર વાળી તેલ બોટલ તેમજ રોકડ રકમની ચોરીની જાણ પોલીસને કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...