વીંછિયામાં રેવાણીયા રોડ ઉપર આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 9 વર્ષથી ગ્રામપંચાયત અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા એક ટીપું પીવાનું પાણી પણ અપાતું નથી. જેના કારણે શાળાના વોર્ડનને બહારથી રૂપિયા ખર્ચીને પાણીના ટેન્કરો મંગાવવા પડી રહ્યા છે. આ શાળામાં 150 થી વધારે બાલિકાઓ અભ્યાસ કરી રહી છે અને હોસ્ટેલમાં રહી શિક્ષણ મેળવી રહી છે.
શાળામાં અભ્યાસ કરતી બાલિકાઓને પીવાનું અને વાપરવાનું પાણી મેળવવા માટે ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે શાળાના સંચાલકે અવારનવાર વીંછિયા ગ્રામપંચાયત, પાણી પુરવઠા બોર્ડ અને મામલતદાર સહિતને રજૂઆત કરવા છતાં આ શાળામાં પાઈપલાઈનનું કનેક્શન આપવામાં આવતું નથી. એકબાજુ સરકાર દરેક ઘર સુધી નલ સે જલ યોજના થકી પીવાનું પાણી પહોંચાડીશું તેવી જાહેરાત કરવામાં આવી રહી છે. બીજીબાજુ આ શાળામાં છેલ્લા 9 વર્ષથી એક ટીપું પીવાનું પાણી મળતું નથી.
વિદ્યાલયની પીવાના પાણીની સમસ્યાને લઈને રાજગ્રુપ સર્વ જ્ઞાતિ શક્તિ ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઈ રાજપરાએ સરકારી તંત્ર પાસે માંગણી કરાઇ છે કે આ શાળાને વહેલામાં વહેલી તકે પાણીની પાઈપલાઈન મારફતે પીવાનું પાણી આપવામાં આવે. અન્યથા રસ્તા રોકી સરકાર અને અધિકારીઓનો વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જોવાનું અે રહે છે કે તંત્ર ક્યું નિરાકરણ લાવે છે.
શાળા વીંછિયાથી 4 કિમી દૂર છે, પાણી કુદરતી રીતે પહોંચી શકે તેમ નથી
એ શાળા વીંછિયાથી ચાર કિમી દુર છે અને બીજી કોઇ વસતી ત્યાં નથી. પાણીની લાઇન નાખીએ તો પણ કુદરતી રીતે ત્યાં પાણી ન પહોંચી શકે. મોટરથી પમ્પિંગ કરવું પડે. આથી અમે પાણી પૂરવઠા વિભાગ, ડે. કલેક્ટર, મામલતદાર, ટીડીઓ સહિતને આ મુદે રજૂઆત કરી છે અને જો પા.પુ. વિભાગ લાઇન બીછાવી દે તો નર્મદાની લાઇનથી એક જ કિમી દુર આ શાળા છે, જે વધુ આસાનીથી પાણી પહોંચાડી શકે.- ચતુરભાઇ રાજપરા, સરપંચ
શાળામાં બે બોર છે, પણ પાણી પીવાલાયક નથી
વિદ્યાલયમાં ધોરણ 6થી12 ની 150 જેટલી બાલિકાઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરી રહી છે. તે શાળાની અમે રૂબરૂ મુલાકાતે ગયા હતા. ત્યારે જાણવા મળ્યું કે છેલ્લા 9 વર્ષથી આ વિદ્યાલય કાર્યરત છે. પરંતુ અહીં પીવાનું પાણી પંચાયત પહોંચાડતી નથી. અનેકવાર શાળાના વોર્ડન બહેન દ્વારા વીંછિયા પાણી પુરવઠા વિભાગ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ગ્રામપંચાયતને રજૂઆત કરવામાં આવી છે.
છતાં પાણી મળ્યું નથી. આ શાળામાં પાણીના બે બોર તો છે પણ તેમાં પીવાલાયક પાણી નથી. આથી આ બાબતે તાકીદે યોગ્ય થાય તે આવશ્યક છે. > મુકેશભાઈ રાજપરા, રાજ ગ્રુપ સર્વ જ્ઞાતિ શક્તિ ટ્રસ્ટના પ્રમુખ,વીંછિયા
વોર્ડને કોઇ રજૂઆત કરી નથી, છતાં હું તપાસ કરાવીશ
હાલ એ લોકો પાણીના ટેન્કર મંગાવે છે તે શાળામાં પાણીના દાર છે પણ તેમાં પાણી આવતું ન હોય તો તેમાં કોઈ શું કરે. હું શાળાની મુલાકાતે જઈશ ત્યારે બહેનને મળીને કહીશ કે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરે. આ બાબતે મને ક્યારેય કોઈ લેખિત રજૂઆત કરી નથી. જ્યાં સુધી અમને રજૂઆત કરવામાં ન આવે ત્યાં સુધી કેમ ખબર પડે ? > ગીરીશભાઈ રાઠોડ, સીઆરસી-કો-ઓર્ડી નેટર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.