તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોવિડ ગાઈડલાઈનનું ઉલ્લંઘન:જસદણના પાંચવડાની સ્કૂલમાં બીજા દિવસે પણ ઓફલાઈન અભ્યાસ શરૂ, બે સંચાલક સામે ગુનો

જસદણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
મંજૂરી ન હોવા છતા શિક્ષણ કાર્ય શરૂ કરી કોવિડ ગાઇડલાઇનનો ભંગ કર્યો. - Divya Bhaskar
મંજૂરી ન હોવા છતા શિક્ષણ કાર્ય શરૂ કરી કોવિડ ગાઇડલાઇનનો ભંગ કર્યો.
  • પહેલા દિવસે 300 અને બીજા દિવસે 200 બાળક વર્ગખંડમાં સાથે બેસી ભણતા’તા
  • દિવ્ય ભાસ્કરે બીજા દિવસે ફરી ચેક કરતા સરકારી બાબુઓ ઊંઘતા ઝડપાયા બાદમાં તાબડતોબ દોડી આવી સંચાલક વિરુદ્ધ કાર્યવાહી કરી

કોરોનાની ત્રીજી લહેરના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ઓફલાઈન સ્કૂલ-કોલેજ કે અન્ય મોટા મેળાવડા બંધ રાખવા માટે સરકાર દ્વારા વારંવાર અનુરોધ કરવામાં આવી રહ્યો છે. છતાં રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પાંચવડા ગામે આવેલ વિદ્યા આરંભ શૈક્ષણિક સંકુલના સંચાલક બીપીન ટાઢાણીએ કોરોનાના નિયમોની ઐસીતૈસી કરી કોઈની મંજુરી લીધા વગર જ ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરી ધોરણ 1 થી 12 સુધીના 300 થી વધુ બાળકોને સ્કૂલે બોલાવી વર્ગખંડમાં બેસાડી અભ્યાસ શરૂ કરી દેતા શિક્ષણ જગતમાં હાહાકાર મચાવી દીધો હતો. જોકે આ અંગે દિવ્ય ભાસ્કરે ગત તા.13 ના રોજ સ્કૂલની રૂબરૂ મુલાકાત લઈ રીયાલીટી ચેક કરતા 300 થી વધુ બાળકો ઓફલાઈન અભ્યાસ કરતા નજરે પડ્યા હતા.

આ સ્કૂલમાં અભ્યાસ કરનાર એકપણ વિદ્યાર્થી કે શિક્ષકગણ માસ્ક-સોશિયલ ડિસ્ટન્ટ વગર જોવા મળ્યા હતા. વધુ તપાસ કરતા સ્કૂલના એક જ રૂમમાં 30 થી વધુ બાળકો અભ્યાસ કરતા નજરે ચડ્યા હતા. જોકે આ બાબતે દિવ્ય ભાસ્કરે બીજા દિવસે તા.14 ના રોજ સ્કૂલના સંચાલકે પોતાની મનમાની ચલાવી 300 થી વધુ બાળકોના જીવ જોખમમાં મુક્યા હોવાનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હોવા છતાં સ્કૂલના સંચાલક બીપીન ટાઢાણીએ કોરોના ગાઈડલાઈનનો ફરી સરેઆમ ભંગ કરી કોઈપણ જાતનો ડર રાખ્યા વગર રાબેતા મુજબ શિક્ષણ કાર્ય શરૂ કરી દેતા દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા ફરી રીયાલીટી ચેક કરવામાં આવતા આ સ્કૂલ વિદ્યાર્થીઓથી ધમધમતી હોવાનું સામે આવ્યું હતું.

ધોરણ 8 થી 12 સુધીના 200 થી વધુ વિદ્યાર્થીઓ ઓફલાઈન અભ્યાસ કરી રહ્યાં હતા. જેથી આ ગંભીર પ્રશ્ને સ્કૂલના સંચાલકને મળતા લાજવાને બદલે ગાજવા લાગ્યા હતા અને રાજકીય આગેવાનોને ફોનનો મારો ચલાવ્યો હતો. બાદમાં જવાબદાર તંત્રના અધિકારીઓ અને પોલીસ તંત્ર આ સ્કૂલ ખાતે તપાસ અર્થે આવતા હોવાના સમાચાર મળી જતા સ્કૂલના સંચાલકે તાબડતોડ ચાલુ ઓફલાઈન અભ્યાસ ક્રમ બંધ કરાવી વિદ્યાર્થીઓને ક્લાસ રૂમમાંથી જલદી રજા આપી બસોમાં બેસાડી બસો દોડાવી દીધી હતી.

વિદ્યાર્થીઓ ભરેલી 4 બસો સ્કૂલની બહાર નીકળતા જ જસદણ પ્રાંત અધિકારી પ્રિયાંકકુમાર ગલચરની સુચનાથી મામલતદાર વી.એલ.ધાનાણી અને આટકોટ પોલીસ મથકના જમાદાર રસિકભાઈ મેટાળીયા સહિતના સ્ટાફે રોડની વચ્ચે જ તમામ બસોને ઉભી રખાવી સ્કૂલના સંચાલકને રોડ પર બોલાવી આ બાબતે પૂછપરછ શરૂ કરી હતી. વિદ્યાર્થીઓને બસમાં ઠસોઠસ ભરેલા જોઈ અધિકારીઓ પણ બેઘડી અચંબો પામ્યા હતા તેમજ સંચાલકની પણ ગેગેફેફે થઈ ગઈ હતી. બાદમાં જસદણ મામલતદારે પોલીસ સ્ટાફને સાથે રાખી સ્કૂલની મુલાકાત લીધી હતી અને સ્કૂલના સંચાલક બીપીન ટાઢાણીનું નિવેદન લઈ આટકોટ પોલીસને આ બાબતે ફોજદારી કાર્યવાહી કરવા સહિતની આગળની કાર્યવાહી કરવા સુચના આપી હતી.

વધુમાં જ્યારે મામલતદાર સહિતના અધિકારીઓની સ્કૂલના પટાંગણમાં નજર પડતા 50 જેટલા વિદ્યાર્થીઓ બસની રાહે એકબીજાને અડીને બેઠેલા નજરે ચડ્યા હતા. બાદમાં રાજકોટ શિક્ષણ વિભાગની ટીમે દિવ્ય ભાસ્કરની ટીમ સાથે દરેક વર્ગખંડમાં રીયાલીટી ચેક કરતા 200 થી વધુ વિદ્યાર્થીઓ કોવિડની ગાઈડલાઈન વિરુદ્ધમાં ઓફલાઈન અભ્યાસ કરતા નજરે પડ્યા હતા. જેથી જિલ્લા શિક્ષણ વિભાગની ટીમે સ્કૂલના સંચાલકને રૂબરૂ નોટીસ ફટકારી આગામી ત્રણ દિવસમાં ખુલાસો આપવા જણાવ્યું હતું. છતાં સ્કૂલના સંચાલક બીપીન ટાઢાણીએ આવતી કાલે ફક્ત ધોરણ 12 ચાલુ રહેશે તેવું રટણ કરતા ફરી સંચાલક સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.

ત્યારે સવાલ એ થાય છે કે દિવ્ય ભાસ્કરે તા.13 ના રોજની આ સ્કૂલની રીયાલીટી ચેક કર્યા અંગેનો અહેવાલ બીજા દિવસે તા.14 ના રોજ પ્રસિદ્ધ કર્યો હોવા છતાં બીજા દિવસે બપોર સુધી સરકારી તંત્ર શા માટે હરકતમાં આવ્યું ન હતું અને શા માટે સરકારી બાબુઓ ઊંઘતા રહ્યા તે એક મોટો સવાલ બની જવા પામ્યો છે. શું આવતી કાલે આ સ્કૂલનો સંચાલક ફરી ધોરણ 12 ના વિદ્યાર્થીઓને વર્ગખંડમાં બેસાડી ઓફલાઈન શિક્ષણ આપશે કે પછી સરકારી તંત્ર તેને કાયદાનું ભાન કરાવશે એતો આવનારો સમય જ બતાવશે.

સ્કૂલના બે સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો
સરકારની કોરોના ગાઈડલાઈનની ઐસીતૈસી કરી બીજા દિવસે 200 વિદ્યાર્થીને ઓફલાઈન અભ્યાસ કરાવનાર પાંચવડાની વિદ્યા આરંભ શૈક્ષણિક સંકુલના સંચાલક બીપીન લક્ષ્મણભાઈ ટાઢાણી અને અશ્વિન લક્ષ્મણભાઈ ટાઢાણી વિરુદ્ધ આટકોટ પોલીસ મથકના પીએસઆઈ કે.પી.મેતા દ્વારા આઈપીસી કલમ 269,188 તેમજ ધી ગુજરાત એપેડેમીક ડીસીઝ કોવિડ-19 રેગ્યુલેશન્સ 2020 ની કલમ-3(1) મુજબની ફરિયાદ નોંધી હતી. જેમાં જણાવ્યું હતું કે, માનવ જીવનને જોખમમાં મૂકી 234 વિદ્યાર્થીને ભેગા કરી શૈક્ષણિક કાર્ય ચાલુ રાખી સોશિયલ ડીસ્ટન્સીંગ ન જાળવી બેદરકારી ભર્યું કૃત્ય કર્યુ છે.

આવતી કાલે શાળામાં ફક્ત ધોરણ 12ના વર્ગ ચાલુ રહેશે
અમે કાલે જ ધો.1 થી 7 ના બાળકોને રજા આપી દીધી છે. આજે ધો.8 થી 12 ચાલુ હતું. આજે ધો.8 થી 11ને રજા આપી દેવાની છે અને કાલે ફક્ત ધોરણ 12 ચાલુ રહેશે. આજે ધોરણ 12 ની પરમીશન આવી ગઈ છે. અત્યારે ફક્ત ધોરણ 12 ના વિદ્યાર્થીઓ જ હોસ્ટેલમાં રહે છે. આજે બીઆરસીમાંથી અધિકારી આવ્યા હતા ત્યારે સ્કૂલ ચાલુ હતી અને બપોરે 2-45 વાગ્યે સ્કૂલ બંધ કરી દેવાનું જણાવ્યું હતું. - બીપીન લક્ષ્મણભાઈ ટાઢાણી, સ્કૂલના સંચાલક

હાલ આ વિદ્યાર્થીઓનું હિત શિક્ષણ કરતા જીવનું વધારે છે
આજે સ્કૂલના વર્ગખંડમાં તપાસ કરતા 200 જેટલા વિદ્યાર્થીઓ ઓફલાઈન અભ્યાસ કરતા હાજર જોવા મળ્યા હતા અને શિક્ષકો પણ કોવિડની ગાઈડલાઈન વિરુદ્ધમાં અભ્યાસ કરાવતા જોવા મળ્યા હતા. આજે તમામ વર્ગખંડોમાં અભ્યાસ ક્રમ ચાલુ હોવાથી આ સ્કૂલના કૃત્ય બદલ સંચાલકને કોવિડની ગાઈડલાઈનના ઉલંઘન કરવા બદલ ત્રણ દિવસમાં ખુલાસો કરવાની નોટીસ આપવામાં આવી છે અને આગળ નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. - યુ.સી.વાઘેલા, જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારી, રાજકોટ

​​​​​​​સ્કૂલના સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાવી દીધી છે
મેં જસદણ મામલતદાર અને આટકોટ પોલીસને સ્થળ તપાસ માટે મોકલ્યા હતા અને આટકોટ પીએસઆઈ કે.પી.મેતા ફરીયાદી બન્યા છે અને તે સ્કૂલના સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગની આટકોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી દીધી છે. - પ્રિયાંકકુમાર ગલચર, પ્રાંત અધિકારી,જસદણ

અન્ય સમાચારો પણ છે...