રાજકોટ જિલ્લાના મહત્વના એવા જસદણ શહેર અને ગ્રામ્ય પંથકની જનતાએ પોતાના વિસ્તારમાં રેલવેનો પાવો છેલ્લા 38 વર્ષ જેટલા સમયથી સાંભળ્યો જ નથી. કરૂણતા તો એ બાબતની છે કે આઝાદી પહેલાં રાજા-રજવાડાના સમયમાં અહી નેરોગેજ લાઈન પર દરરોજ ટ્રેનની આવનજાવન થતી હતી અને મુસાફરોને પણ પુરતી સુવિધા મળી રહેતી હતી.
પરંતુ સમય જતા મુસાફરોની આ આઝાદી પણ છીનવાઈ છે, અને હવે તો રેલવે લાઈન તેમજ રેલવે સ્ટેશન પણ નામશેષ થવાના આરે આવીને ઉભા છે. જેતે સમયે રેલવે બજેટ આવવાનું હોય ત્યારે પ્રજા હોંશે-હોંશે રાહ જોતી હતી કે કદાચ જસદણને ફરી રેલવેની સુવિધા મળવાની જાહેરાત થશે.
પરંતુ જસદણની રેલવે સેવા બંધ થવાને અને નેતાઓની આ સેવા ચાલુ કરવાની ગુલબાંગોને વર્ષો વીતી ગયા છતાં રેલવે સેવા મળવાનું નામ લેતી નથી. હાલ આ રેલવે સ્ટેશનના બારી અને બારણા તોડીફોડી નંખાયા છે તેમજ ઉપરના નળિયા પણ નીકળી ગયા છે.
દર વિધાનસભામાં ઉઠતો રેલવે પ્રશ્ન નેતાઓ જ ભૂતકાળ બનાવી દેશે?
જસદણ-વીંછિયા વિધાનસભાની જ્યારે-જ્યારે પણ ચૂંટણી યોજાય છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ બન્ને પક્ષના ઉમેદવારો જસદણને ફરી રેલવે સુવિધા અપાવીશું તેવા ઠાલા વચનો આપી મત ખંખેરી જતા હોય છે.
પરંતુ જ્યારે બજેટ હોય ત્યારે જસદણના નેતાઓ જસદણની રેલવે સુવિધાને યાદ અપાવવાનું પણ સાવ ભૂલી જતા હોવાથી પ્રજાને ભાગ્યે માત્ર વાટ જોવાની જ રહે છે. જો કે દર વખતે વિધાનસભાની ચૂંટણીમાં વપરાતો રેલવે પ્રશ્નનો મુદ્દો કદાચ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં નેતાઓ માટે ભૂતકાળ બની જશે એવું લોકોને હાલની તકે તો લાગી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.