જસદણ શહેરના બાળકો આનંદ માણી શકે એવો એક માત્ર ચોટીલા રોડ ઉપરનો જીલેશ્વરપાર્ક ગાર્ડન છેલ્લા ઘણા સમયથી શોભાના ગાંઠીયા સમાન બની ગયો છે. અહીં છેલ્લા ઘણા સમયથી બાળ ક્રિડાંગણ માટેના હિંચકા, લપસીયા અને ચકરડી જેવા સાધનો સાવ તૂટી-ફૂટીને ભંગાર બની જતા શહેરીજનો તેના બાળકોને આ ગાર્ડનમાં લાવવાનું પણ ટાળી રહ્યા છે.
જસદણ નગરપાલિકા તંત્ર દ્વારા આ ગાર્ડનની સારસંભાળ પાછળ દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ ચોપડે દેખાડવામાં આવે છે. છતાં જસદણ શહેરના બાળકોના મનોરંજન માટેના સાધનો માટે મામુલી રકમ પણ ફાળવી શકતા ન હોવાથી જાગૃત નગરજનોમાં કચવાટ છવાયો છે.જેથી રમત-ગમતના સાધનોનું રીપેરીંગ કામ સત્વરે હાથ ધરવામાં આવે તેવી જાગૃત નગરજનોની માંગણી ઉઠવા પામી છે.
આમાં બાળકો રમે કઇ રીતે?
જસદણ નગરપાલિકા દ્વારા હાલ જીલેશ્વરપાર્કની એટલી ખરાબ હાલત કરી દેવામાં આવી છે કે આ બગીચામાં લોકો માટેના ચાલવા લાયક રસ્તામાં પણ અનહદ ઘાંસ ઉગી જતા જંગલ સમાન બની ગયું છે. જસદણ નગરપાલિકામાં બગીચાની સાફ-સફાઈના બીલ તો બને છે.
પણ અહિયાં કોઈ સાફ-સફાઈ થતી નથી. આ બગીચામાં ગાર્ડની અગાઉ ઓફીસ હતી તે પણ તોડી પાડવામાં આવી છે. આ બગીચામાં બાળકો પણ રમવા માટે આવી શકે તેવી કોઈ સુવિધા નથી. બગીચામાં આવેલ ફિલ્ટર પ્લાન્ટનું ખરાબાનું પાણી પણ જ્યાં બાળકોને રમવાનું હોય ત્યાં આવતું હોવાથી ગંદકી પણ વધી છે. જેથી પાલિકાના જવાબદારો દ્વારા પ્રજાના પૈસાનો સદઉપયોગ કરી બગીચાને ફરી જીવંત કરવાની કામગીરી કરવામાં આવે તેવી અમારી માગણી છે. - યુનુસ શેખ,જાગૃત નાગરિક, જસદણ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.