કાર્યવાહી:જસદણના બળધોઈ ગામે લોકઆરોગ્ય સાથે ચેડા કરતો મોટાદડવાનો બોગસ તબીબ ઝબ્બે

જસદણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બી.કોમ. સુધી ભણેલા તબીબે નર્સિંગનો કોર્સ કરી છેલ્લા દોઢ વર્ષથી દવાખાનું ખોલી નાખ્યું હતું
  • બોગસ તબીબને દવા સહિત રૂ.30,861ના મુદ્દામાલ સાથે SOGની ટીમે દબોચી લીધો હતો

જસદણ-વિંછીયા શહેર અને પંથકમાં જાણે કે ઉઘાડપગા ડોકટરોનો રાફડો ફાટ્યો હોય તેમ મોટાભાગના ગામોમાં ડીગ્રી વગરના ડોકટરો દવાખાનાના નામે હાટડા ચલાવી રહ્યા હોવાથી લોકોના આરોગ્ય જોખમમાં મુકાયા છે. છતાં પાવરધું આરોગ્ય તંત્ર આવા બોગસ તબીબોને પકડી પાડવાના બદલે સબ સહી-સલામતના ગુણગાન ગાતું હોવાથી બોગસ તબીબોને મોકળું મેદાન મળી રહ્યું છે અને નિર્દોષ લોકોના આરોગ્ય જોખમમાં મુકાઈ રહ્યા છે. ત્યારે રૂરલ એસઓજીના પીઆઈ વિજય ઓડેદરાના માર્ગદર્શન હેઠળ SOG ની જસદણ તાલુકાના આટકોટ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.

તે દરમિયાન જસદણના બળધોઈ ગામે ડિગ્રી વગર તબીબની ઓળખ આપી એક શખ્સ દવાખાનું ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો છે તેવી બાતમી મળી હતી. જે બાતમીના આધારે SOG ની ટીમે સરકારી તબીબને સાથે રાખી બળધોઈ ગામે ભરવાડ શેરીમાં આવેલ દવાખાનામાં દરોડો પાડી તપાસ કરતા ગોંડલ તાલુકાના મોટાદડવા ગામનો રાજદીપ જેસિંગભાઈ ડાંગર(ઉ.વ.24) નામનો બોગસ તબીબ મેડિકલ તબીબી ડિગ્રી વગર દવાખાનું ખોલી પ્રેક્ટિસ કરતો હતો. પોલીસે બોગસ તબીબ રાજદીપ ડાંગર પાસે મેડીકલ સર્ટીફીકેટની માંગણી કરતા તેણે પોતાની પાસે કોઈ મેડીકલ ડીગ્રી ન હોવાની કેફીયત આપી હતી.

જેને પગલે મેડીકલ ડીગ્રી ન હોવા છતાં ડોકટર તરીકે પ્રેકટીસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો હતો. જેથી પોલીસે તેની ધરપકડ કરીને ઈજેક્શન-સિરીંજ તથા જુદી-જુદી એન્ટીબાયોટીક દવાઓ મળી રૂ.30,861નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આટકોટ પોલીસ ખાતે હસ્તગત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે બનાવની વધુ કામગીરી હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ રાણા અને હિતેશભાઈ અગ્રવાત સહિતના સ્ટાફ કરી રહ્યા છે. પોલીસ પૂછપરછમાં બોગસ તબીબે કબુલ્યું હતું કે, પોતે બી.કોમ.સુધીનો અભ્યાસ કરેલ છે અને બાદમાં માંગરોળમાં આવેલ ભારત સેવક સમાજની સંસ્થામાંથી નર્સિંગનો કોર્ષ કરી છેલ્લા દોઢ વર્ષથી બળધોઈ ગામે પ્રેકિટસ કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...