દેશમાં ભલે સ્વચ્છ ભારત અભિયાન સફળ નીવડ્યું હોય. પરંતુ જસદણમાં તો સ્વચ્છ ભારત અભિયાનનો ફિયાસ્કો જ જોવા મળી રહ્યો છે. જસદણ નગરપાલિકા તંત્ર પાસે સફાઈ કામદારોનો પુરતો સ્ટાફ પણ છે અને શહેરીજનો પાસેથી કરોડો રૂપિયાનો સફાઈ વેરો પણ વસુલ કરવામાં આવે છે. છતાં શહેરભરમાં ઠેરઠેર ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળી રહ્યા છે. જસદણના નગરજનો ગંદકીના ગંજ વચ્ચે પોતાનું જોખમી જીવન ગાળી રહ્યા છે. આમ છતાં નગરપાલિકા તંત્રના જવાબદારોના પેટનું પાણી પણ હલતું નથી.
જસદણ શહેરના હાર્દ સમા નવા બસ સ્ટેશન નજીક કાયમી ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળતા હોવાથી નગરપાલિકા તંત્રની સફાઈ કામગીરીની પોલખોલ થઈ ગઈ છે. એકબાજુ કોરોના જેવો જીવલેણ રોગચાળો ફરી ફૂંફાડો મારી રહ્યો છે. ત્યારે સ્થાનિક નગરપાલિકા તંત્ર ઉંઘતું ઝડપાયું હોવાથી નગરજનો અને બસ સ્ટેશનમાં આવતા મુસાફરો ભારે મુંઝવણમાં મુકાઈ ગયા છે.
એક બાજુ જસદણ શહેરભરમાં રઝળતા ઢોરની સમસ્યા દિનપ્રતિદિન માથાના દુઃખાવા સમાન બની રહી છે. ત્યારે અધૂરામાં પૂરું સ્થાનિક નગરપાલિકા તંત્રની બેદરકારીના લીધે શહેરભરની શેરીઓ અને ગલીઓમાં સફાઈના અભાવે ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળી રહ્યા છે. જેના કારણે રસ્તે રઝળતા ઢોર પોતાના પેટનો ખાડો બુરવા માટે આવા ગંદકીના ગંજ નજીક અડ્ડો જમાવી બેસે છે. જેથી રાહદારીઓ અને વાહનચાલકોને ત્યાંથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે. છતાં પણ લોકો પોતાના જીવના જોખમે પસાર થઈ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.