સમસ્યા:જસદણ પાલિકાના સ્ટાફે કમરીબાઈ પૂલ પર જ હડકાયા ખૂંટિયાને બાંધી રાખવો પડ્યો

જસદણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખૂંટિયાના ત્રાસમાંથી તો પાલિકા લોકોને છોડાવી શકી નથી, ત્યાં આ વળી નવી ઉપાધિ

જસદણમાં પાલિકા રખડતા પશુઓના ત્રાસમાંથી મુક્તિ અપાવી શકી નથી ત્યાં વળી ખુંટિયા હડકાયા થતાં તેના ત્રાસમાંથી છોડાવવાની નોબત આવી છે. તાજેતરમાં જ એક ખુંટિયો હડકાયો થતાં પાલિકાએ તેને પુલની રેલિંગ સાથે જ બાંધી દેવો પડ્યો હતો. ખૂંટિયો દોરડામાંથી છૂટવા માટે અથાગ પ્રયત્નો કરતો નજરે પડ્યો હતો. સ્ટાફે પાણી અને ઘાસચારા વગર તરફડી રહેલા ખૂંટિયાને પાણી કે ઘાસચારો નહી આપતા જીવદયા પ્રેમીઓમાં અનેક સવાલો ઉઠવા પામ્યા હતા. વધુમાં જ્યાં ખૂંટિયાને બાંધવામાં આવ્યો તે જસદણનો મુખ્ય પુલ છે. આ પુલ પરથી દરરોજ હજારો લોકોની અવરજવર રહે છે.

છતાં સ્ટાફે હડકાયા થયેલા આ ખૂંટિયાને શહેરની બહાર બાંધવાના બદલે પુલ પર જ દોરડા વડે બાંધી દેતા અહીંથી પસાર થતા લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. જસદણ પાલિકા પાસે સફાઈ કામદારોનો પુરતો સ્ટાફ હોવા છતાં શહેરભરમાં દિવસેને દિવસે ગંદકીનું સામ્રાજ્ય વધી રહ્યું છે. છતાં પાલિકાના નિંભર અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. જસદણ શહેરમાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય ખડકાતા રસ્તે રઝળતા ખૂંટિયા જે તે કચરો આરોગતા હોવાથી દિનપ્રતિદિન ખૂંટિયાઓમાં હડકવાનો રોગચાળો ફેલાઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, જસદણ પાલિકા કચેરી સામે જ એકાદ મહિના પહેલા એક ખૂંટિયો હડકાયો થતા જાહેર રોડ પર જ તેને પાલિકાના સ્ટાફ દ્વારા ટ્રેક્ટર સાથે દોરડા વડે બાંધી દેવામાં આવ્યો હતો. ત્યારે પણ પાલિકાના સ્ટાફે ખૂંટિયા માટે પાણી કે ઘાસચારાની કોઈ વ્યવસ્થા કર્યા વગર બાંધી રાખતા 48 કલાક બાદ તે ખૂંટિયાનું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...