રાજકોટ જિલ્લાના જસદણમાં રાજકોટ-અમદાવાદ હાઈ-વે ને જોડતો બાયપાસ રોડ છેલ્લા ઘણા સમયથી અકસ્માત ઝોન સમાન બની ગયો છે. છેલ્લા દોઢેક મહિનામાં આ બાયપાસ સર્કલ નજીક અંદાજે 14 જેટલા લોકો અકસ્માતના લીધે ઈજાગ્રસ્ત બન્યા છે અને એક વ્યક્તિનું અકસ્માતે મોત પણ નીપજ્યું છે. જો કે જસદણના જાગૃત લોકો દ્વારા આ સર્કલની સમસ્યાને લઈને જવાબદાર તંત્રને પણ રજૂઆત કરવામાં આવી છે. ત્યારે આ સર્કલની સમસ્યા અંગે જસદણ નગરપાલિકાના પૂર્વ નગરપતિ ધીરૂભાઈ ભાયાણીએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાત કરી હતી.
જેમાં તેમણે જણાવ્યું હતું કે, સન-2000 ની સાલમાં જ્યારે હું જસદણ નગરપાલિકા પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી રહ્યો હતો ત્યારે હું અને જસદણના દાનવીર રૂડાભાઈ ભગત અને જે.પી.રાઠોડના સૌજન્યથી લોકોની સુખાકારી માટે સ્વખર્ચે આ સર્કલ બનાવ્યું હતું. આ સર્કલ કોઈ સરકારી ગ્રાન્ટમાંથી નહી પરંતુ અમારા ત્રણેય આગેવાનોના સૌજન્યથી બનાવવામાં આવ્યું હતું.
હવે આ રોડ ફોરલેન બની જતા વાહનવ્યવહાર પણ વધી ગયો છે. પરંતુ આ સર્કલને કારણે અકસ્માતોના બનાવો નથી બનતા. પરંતુ સર્કલને નડતરરૂપ રોડની બાઉન્ડ્રી ઉપર અમુક બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર શૌચાલય ખડકી દેવામાં આવ્યું છે. જેના કારણે અમુક વાહનો સર્કલ ફરતે વળી શકતા ન હોવાથી અકસ્માતોના બનાવો બની રહ્યા છે. જો કે બિલ્ડરોએ ખડકેલા ગેરકાયદેસર શૌચાલયને કાયમ માટે તાળા જ લાગેલા હોય છે અને બિલ્ડરે પોતાની મનમાની ચલાવી ગેરકાયદેસર બાંધકામ ખડકી દીધું છે જેની હટાવવું જરૂરી બને છે.
જેથી આ સર્કલને હટાવવા કે તેને નાનું કરવા કરતા સર્કલને નડતરરૂપ ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવે તો વાહનચાલકોને સર્કલ પાસેથી પસાર થવામાં આસાની રહેશે અને આપોઆપ અકસ્માતોના બનાવો બનતા અટકી જશે. જેથી લોકોના સૌજન્યથી બનાવેલું આ સર્કલ હટાવવા કરતા કે તેને નાનું કરવા કરતા તેની આજુબાજુમાં રોડને નડતરરૂપ ખડકેલ ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવે તે જરૂરી બને છે. જેથી જસદણ નગરપાલિકા તંત્ર અને માર્ગ મકાન વિભાગ તંત્ર દ્વારા આ બાબતને ગંભીર ગણી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે તેમ જસદણ નગરપાલિકાના પૂર્વ નગરપતિ ધીરૂભાઈ ભાયાણી દ્વારા અંતમાં જણાવવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.