બાવળો અકસ્માત સર્જશે:જસદણ-આટકોટ ફોરલેન પર ઝાડી-ઝાંખરાનું જંગલ વિસ્તર્યું, તંત્ર સફાઈના મૂડમાં નથી!

જસદણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જસદણથી આટકોટ સુધીનો 7 કિલોમીટરનો રસ્તો પસાર કરવામાં વાહનચાલકોને લાગે છે ડર

જસદણ-આટકોટ ફોરલેન બન્યા બાદ જવાબદાર તંત્ર દ્વારા આજદિન સુધીમાં સફાઈની કામગીરી કરવામાં આવી ન હોવાથી હાલ ગાંડા બાવળનું જંગલ ફૂટી નીકળ્યું છે. છતાં જવાબદાર તંત્ર કુંભકર્ણની મીઠી નિંદ્રામાં ઘોરી રહ્યું હોવાથી વાહનચાલકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જો આ ગાંડા બાવળનું તુરંત કટીંગ કરવામાં નહી આવે તો ગોઝારો અકસ્માત થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. છતાં પ્રજાના પ્રતિનિધિઓને પણ આ કેમ ધ્યાને આવતું નથી તેવા લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે. આ રોડ પર ગાંડા બાવળના સામ્રાજ્ય ખડકાઈ જતા નાનામોટા અકસ્માતોના બનાવો પણ બની રહ્યા છે.

જેના કારણે વાહનચાલકોમાં પણ ચડભડ થાય છે. આ ગાંડા બાવળ એટલી હદે ફૂટી નીકળ્યા છે કે ડામર રોડની બન્ને બાજુની સપાટી ઉપર પાંચ-પાંચ ફૂટ સુધી ડાળીઓ ફેલાઈ જવા પામી છે. છતાં કહેવાતા રાજકીય નેતાઓ કે જવાબદાર તંત્રના અધિકારીઓને કેમ આ બાવળો હટાવવાનું સુજતું નથી. જવાબદારો દ્વારા આ બાવળના લીધે કોઈ દુર્ઘટના બને તે પૂર્વે બાવળોને હટાવાય તેવી લોકોમાંથી માંગ ઉઠવા પામી છે.

અનેક શહેરોને જોડતો આ મુખ્ય રોડ છે
જસદણના લોકોને રાજકોટ, ગોંડલ, ભાવનગર, અમરેલી સહિતના શહેરોમાં જવા માટે તેમજ આટકોટ, સાણથલી, જીવાપર સહિત પંદરથી વધારે ગામડાના લોકોને તાલુકા મથક જસદણ આવવા માટે ફરજીયાત આ રોડ પરથી પસાર થવું પડે છે. આ રોડમાં અનેક જગ્યાએ બાવળો ફૂટી નીકળ્યા હોવાથી વાહનચાલકોમાં સતત અકસ્માતનો ભય રહે છે.

બાવળોનું કટિંગ કરવા ઉઠતી માગ
જો કોઈ જવાબદાર તંત્રના અધિકારીઓ આ રોડ પર આવીને જૂએ તો દંગ રહી જાય કે ડામર રોડની સપાટી ઉપર બન્ને સાઈડ પર પાંચ-પાંચ ફૂટ બાવળોની ડાળીઓ ફેલાયેલી છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્રના જવાબદારો અને કુંભકર્ણ જેવા નેતાઓ જો વહેલી તકે ઉકેલ નહીં લાવે તો જસદણ-આટકોટ ફોરલેન રોડ અકસ્માતનો ઝોન બની જશે.

અન્ય સમાચારો પણ છે...