બેદરકારી:ડેમમાંથી પાણીચોરી કરનાર વનવિભાગ સામે કાર્યવાહી કરવામાં સિંચાઇ તંત્રની ઢીલ

જસદણ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જસદણના મદાવા ગામના હિસોળા ડેમના પાણીના અનામત જથ્થાને વૃક્ષો ઉછેરવા વાપરી નખાયો

જસદણના મદાવામાં આવેલ હિસોળા ડેમમાંથી વન વિભાગના કર્મચારીઓ જસદણ સિંચાઈ વિભાગ કે મદાવા ગ્રામ પંચાયતની મંજૂરી લીધા વગર ગેરકાયદેસર પાણી ચોરીનું કારસ્તાન ચલાવતા હોવાનો ચાર દિવસ પહેલા દિવ્ય ભાસ્કર દ્વારા પર્દાફાશ કરાયો હતો. જેમાં ફોરેસ્ટના જવાબદારો 3000 ફૂટની પાઈપલાઈન લંબાવી કડુકાની ફોરેસ્ટની જગ્યામાં વાવેલા વૃક્ષોનો ઉછેર કરવા માટે બેફામ પાણીચોરી કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું. દિવ્ય ભાસ્કરના રીયાલીટી ચેક દરમિયાન ગામના સરપંચ જયેશભાઈ જતાપરા સાથે હતા, પાણીચોરીનું કારસ્તાન ઝડપી પાડ્યું હતું. જ્યારે દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા સ્થળ પર રીયાલીટી ચેક કરાયું ત્યારે વનરક્ષક ગાર્ડ અશોક સોલંકી અને ફોરેસ્ટર પ્રોટેક્શનના યુ. બી. રાઠવા હાજર હતા. જેની નજર સામે ડેમમાં પાણીની મોટર મૂકી લાઈન લંબાવી પાણીની ચોરી કરાતી હતી.

વન વિભાગના કર્મચારીઓ નિયમોને નેવે મૂકી મદાવા ગામના પશુઓ માટે ડેમમાં રખાયેલ પાણીનો જથ્થો પણ ખાલી કરી રહ્યા હોવાથી પશુપાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. જેના પગલે મદાવા ગામના પશુપાલકો માટે આવતો ઉનાળો કપરો સાબિત થશે તેવી સ્થિતિ સર્જાઈ હતી. વધુમાં જે ડેમમાંથી પાણીની ચોરી કરાતી હતી તેની બાજુના વાડી માલિક સાથે વન વિભાગના કર્મીઓએ દાદાગીરી કરી વીજ વાયરો લંબાવી પાવર ચોરી કરતા હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરાયો હતો.

આ કારસ્તાનને અંજામ આપનારા વન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સામે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તટસ્થ તપાસ કરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી ગામલોકોની માંગ ઉઠવા પામી છે. જો કે આ અંગે હજુ સુધી પાણીચોરી કરનાર વન વિભાગના જવાબદારો દ્વારા સિંચાઈ વિભાગની, ગ્રામ પંચાયતની ચાર દિવસ વીતવા છતાં મંજૂરી લેવામાં આવી નથી અને સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા હજી સુધી સ્થળ તપાસ કરવામાં આવી નથી.

સ્થળ તપાસ માટે જવાનું પ્લાનિંગ છે
અમે ગઈકાલે સાઈડ ઉપર ગયા હોવાથી સાંજે મોડું થઈ ગયું હતું એટલે સ્થળ તપાસ માટે ગયા ન હતા. હવે આવતી કાલે જવાનું પ્લાનિંગ કર્યું છે. વન વિભાગ દ્વારા હજુ સુધી મંજૂરી માટે કોઈ આવ્યા નથી. > પ્રિયાંક ભોયા, સિંચાઇ અધિકારી, જસદણ

અન્ય સમાચારો પણ છે...