નગરપાલિકા સામે રોષ:જસદણના લક્ષ્મણનગર-2માં અનિયમિત પાણી વિતરણ થતા મહિલાઓનો હોબાળો

જસદણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘પાણી આપો, પાણી આપો’ના મહિલાઓએ નારા લગાવી પાલિકા સામે વિરોધ નોંધાવ્યો
  • પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરીશું

જસદણમાં ચિતલીયા રોડ પર આવેલ લક્ષ્મણનગર-2 માં નગરપાલિકા તંત્ર દ્વારા મનફાવે ત્યારે પીવાનું પાણી વિતરણ કરવામાં આવતું હોવાથી સોસાયટીની માહીલાઓએ હોબાળો બચાવી વિરોધ દર્શાવ્યો હતો. ઉનાળાની ગરમીમાં છેલ્લા ઘણા દિવસોથી પાલિકા દ્વારા પીવાના પાણીનું અનિયમિત વિતરણ કરવામાં આવતું હોવાથી મહિલાઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ તકે મહિલાઓએ પાલિકા સામે રોષ ઠાલવીને પીવાના પાણીનો પ્રશ્ન ઝડપથી હલ કરવાની માંગ કરી હતી.

જોકે આ અંગે સ્થાનિકો દ્વારા પાલિકાના જવાબદારોને અનેકવાર રજૂઆતો કરી છે. છતાં સમસ્યા હલ કરવાના બદલે મૌન સેવી રહ્યા હોવાથી સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી ઉઠી હતી. આ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા અનિયમિત પીવાનું પાણી વિતરણ કરાતું હોવાથી મહિલાઓને પીવાના પાણી માટે જ્યાં ત્યાં ભટકવું પડે છે. જોકે નગરપાલિકા દ્વારા અગાઉ પીવાનું પાણી અપાતું હતું તે પણ ડહોળું અને લાલ રંગનું માટીવાળુ પીવાલાયક પાણી ન હતું. ત્યારે જસદણના લક્ષ્મણનગર-2 ની મહિલાઓએ પોતાના જ વિસ્તારોમાં એકઠા થઈને નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો.

જોકે જસદણ આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ મહિલાઓના વિરોધ પ્રદર્શનમાં જોડાતા મહિલાઓનો જુસ્સો વધ્યો હતો. આ તકે મહિલાઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, ઉનાળાની ગરમીમાં પીવાના પાણીની અતિ જરૂરિયાત હોય છે. છતાં જસદણ નગરપાલિકા તંત્ર અનિયમિત પીવાનું પાણી વિતરણ કરતું હોવાથી અનેક તકલીફો વેઠવી પડી રહી છે.

જો જસદણ નગરપાલિકા તંત્ર દ્વારા વહેલી તકે નિયમિત પીવાનું પાણી વિતરણ કરવામાં નહી આવે તો આંદોલન છેડવાની ફરજ પડશે તેવી સ્થાનિકો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવતા પાલિકા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા હતા. જોકે આ પીવાના પાણી પ્રશ્ને જસદણ ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદીનો ટેલીફોનીક સંપર્ક કરવામાં આવતા તેઓએ રાબેતા મુજબ ફોન ઉપાડવાની પણ તસ્દી ન લેતા તેની મનમાની સામે અનેક સવાલો ઉઠવા પામ્યા હતા.

મહિલાઓએ જણાવ્યું હતું કે, જસદણ પાલિકા પાણી વિતરણ માટે ઠાગાઠૈયા કરી રહી છે. ચૂંટણી સમયે ખોટા વચનો આપીને જતા રહે છે. આગામી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. આથી સમયસર પીવાના પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો મતદાનનો બહિષ્કાર કરવાની તંત્રને મહિલાઓએ ચીમકી આપી હતી. આમ પાણી પ્રશ્ને તંત્ર ઝડપથી વ્યવસ્થા કરે તેવી રહેવાસીઓમાં માંગ ઊઠી છે.

અન્ય સમાચારો પણ છે...