વિવાદના એંધાણ:જસદણમાં આમંત્રણ પત્રિકા, હોર્ડિંગમાં બોઘરાની બાદબાકીથી પાટીદારો નારાજ

જસદણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોઘરાના સમર્થકો, ભાજપ કાર્યકરો સમારોહથી અળગા રહે તેવી ચર્ચા
  • CM આવી રહ્યા છે ત્યારે સમારોહના આમંત્રણ મુદ્દે વિવાદના એંધાણ

રાજકોટ જિલ્લાના રાજકીય એપી સેન્ટર ગણાતા જસદણ પંથકમાં તાજેતરમાં જ આટકોટ ખાતે પીએમની જાહેરસભા થયા બાદ હવે આજે રવિવારે રાજ્યના મુખ્યમંત્રી વીંછિયા તાલુકાના ગામો માટેની નાની સિંચાઈ યોજનાનું ભૂમિપૂજન કરવા આવનાર છે.

ત્યારે કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં તેમજ શહેરમાં લગાવાયેલા હોર્ડિંગમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. બોઘરાના નામની બાદબાકી કરી દેવાઇ હોવાથી પાટીદાર વર્ગ અને ભાજપના કાર્યકરોમાં નારાજગી છવાઇ છે અને બોઘરાના સમર્થકો આજે સમારોહથી અળગા રહે તેવી સંભાવના જોર પકડી રહી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમપીપળીયામાં જાહેર સભા પણ સંબોધવાના છે ત્યારે બે બળિયા નેતા ફરી આમને સામને ગોઠવાઇ જાય તેવી શક્યતા છે.

નાની સિંચાઈ યોજના સહિત ત્રણ પ્રકલ્પના થશે ભૂમિપૂજન
આજે મુખ્યમંત્રી નાની સિંચાઈ યોજના સહિત ત્રણ પ્રકલ્પનાં ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરશે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ઠેર-ઠેર ભારે વરસાદની આગાહીને લઈને સરકારી તંત્ર સંભવિત કુદરતી આપત્તિને પહોંચી વળવા સજ્જ બની ગયું છે. એવામાં જસદણ તાલુકાનો મુખ્યમંત્રીનો પ્રવાસ અચાનક જ ગોઠવાયો છે.

રાજકોટ જિલ્લાના વહિવટી તંત્રને તેની જાણ કરાતાં કાર્યક્રમને અંતિમ ઓપ આપવા માટે અધિકારીઓની બેઠક બોલાવાઇ હતી. આજે સિંચાઈ યોજનાના સ્થળે રૂબરૂ પહોંચીને મુખ્યમંત્રી ભૂમિપૂજન કરશે. ત્યારબાદ ઘેલા સોમનાથ મંદિર નજીક ડાયસ ફંક્શન યોજાશે. જ્યાં મંચ પરથી મુખ્યમંત્રીના હસ્તે આટકોટના એસ.ટી. બસ સ્ટેન્ડનું અને ગોડલાધાર માધ્યમિક શાળાનું ઈ-ખાતમુહૂર્ત પણ કરશે.

આ યોજનાથી 222 હેક્ટર જમીનને પાણી મળશે
મુખ્યમંત્રી પટેલ આજે સીધા જસદણ પંથકમાં ઉતરાણ કરશે. તેમનો મુખ્ય કાર્યક્રમ સોમપીપળિયા(ગોંડલાધાર) સિંચાઈ યોજનાના ભૂમિપૂજનનો રહેશે. 32 MCFT સ્ટોરેજ કેપેસિટી ધરાવતી અને સ્થાનિક લોકોમાં પાનીયો સિંચાઈ યોજના તરીકે ઓળખાતી આ યોજના પાછળ રૂ.4.30 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.

આગામી 18 મહિનામાં આ યોજના સાકાર થયે તેના થકી વિવિધ ગામોની કુલ 222.17 હેક્ટર ખેત જમીનને સિંચાઈનો પ્રત્યક્ષ લાભ મળતો થશે. આ યોજના સાકાર થતા કેટલાક ગામોનાં ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવશે એવો દાવો થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...