મુશ્કેલી:વીંછિયામાં અડધી કલાકમાં અડધો ઈંચ વરસાદ પડતા ઠેરઠેર પાણી ભરાયા

જસદણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેઈનબજારમાં પાણી ભરાતા રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલી

વિંછીયામાં જ્યારે પણ સામાન્ય વરસાદ પડે છે ત્યારે મેઈનબજાર હોય કે હાઈ-વે રોડ ઠેરઠેર વરસાદી પાણી ભરવાની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે. જોકે આજદિન સુધી વિંછીયા ગ્રામપંચાયત દ્વારા રોડ-રસ્તામાં પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો ન હોવાથી લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

બુધવારે બપોરબાદ વિંછીયામાં માત્ર અડધા કલાકમાં અડધો ઈંચ વરસાદ પડતા મેઈનબજાર સહિત ઠેરઠેર ગોઠણસમા પાણી ભરાઈ જતા રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વિંછીયાની મેઈનબજારમાં વરસાદી પાણી ભરાઈ જતા તંત્ર ઘોરનિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું હતું.

વિંછીયા ગ્રામપંચાયત તંત્ર પાણીનો યોગ્ય નિકાલ કરવાના બદલે હાથ પર હાથ ધરીને બેઠું રહેતું હોવાથી લોકોમાં મોઢા તેટલી વાતો થવા લાગી છે. ત્યારે સવાલ એ થાય છે કે, વિંછીયા ગ્રામપંચાયત તંત્ર દ્વારા જાહેર માર્ગ પર પાણી ભરાવાની સમસ્યાનો કાયમી હલ કરવામાં આવશે ખરા?. શું વિંછીયા ગ્રામપંચાયત તંત્રને પ્રજાની કોઈ ફિકર નથી કે પછી જાણી જોઈને પ્રજાને પીડા આપી રહ્યું છે? આ સહિતના અનેક વેધક સવાલો વિંછીયાના તમામ જાગૃત લોકોમાં ઉઠી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...