રોચક ઇતિહાસ:જસદણ બેઠક પર 1962ની ચૂંટણીમાં ઉમેદવારની હારજીતમાં રોકડા આપવાની નહીં, લાડવા ખવડાવવાની શરતો લાગતી!

જસદણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મતદાન સ્લિપ લખી અનેક પરિવારો વેતન મેળવી સાઇકલ ખરીદતા, પ્રચાર માટે ઘોડા-સાઇકલ દોડાવાતા

જસદણ બેઠક પર 1962માં યોજાયેલી ચૂંટણીનો ઇતિહાસ જાણવો રોચક બની રહેશે. એ વખતે પ્રચાર માટે મોંઘીદાટ ગાડીઓ ન હતી, સાયકલ અને ઘોડા પર પ્રચાર થતો અને ઉમેદવારો હારે કે જીતે તો રોકડા નહીં, લાડવા ખવડાવવાની શરતો લાગતી. 1962ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર વસંતપ્રભા શાહને 11,186 મત મળ્યા હતા. જ્યારે પ્રજાસત્તાક પાર્ટીના ગેલાભાઈ છાયાણીને 6504 મત મળ્યા હતા. જનસંઘના ઉમેદવાર લાભુભાઈ ભરાડને 1292 મત તેમજ અપક્ષ ઉમેદવાર ભાનુશંકર વ્યાસને 1263 મત મળ્યા હતા.

તે ચૂંટણીમાં 40.79 ટકા મતદાન થયું હતું. તે સમયે જસદણ બેઠકમાં અંદાજે 49,000 મતદારો હતા.એ વખતની ચૂંટણીની રસપ્રદ વિગતો જણાવતા 90 વર્ષના એડવોકેટ રતિભાઈ એસ. અંબાણી જણાવે છે કે જસદણ તેમજ આજુબાજુના ગામડામાં ઘોડા ઉપર તેમજ સાયકલ ઉપર પ્રચાર કાર્ય માટે ઉમેદવાર પોતે તેમજ તેમના કાર્યકરો જતા .

આ પ્રચારના કાગળને દીવાલો ઉપર ચોટાડતા. સફેદ કપડા પર ગળી તેમજ લાલ માટી વડે બેનરો કાર્યકરો દ્વારા તૈયાર કરવામાં આવતા હતા. શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી એ સમયે વકીલો તથા ડોક્ટરો જેમનીતરફેણમાં મતદાન કરવાનું જણાવે તેવા ઉમેદવારની તરફેણમાં લોકો મતદાન કરતા હતા. સમગ્ર ચૂંટણી અંદાજે 12 થી 15 હજાર રૂપિયાના ખર્ચમાં પૂરી થતી.

બે રૂપિયામાં આખો દિવસ સાયકલ ભાડે મળતી
એ જમાનામાં ગામડામાં પ્રચાર કરવા માટે યુવાનો, કાર્યકરો જાય તેને ઉમેદવાર તરફથી બે રૂપિયાનું સાયકલ ભાડું આપવામાં આવતું હતું. જસદણના ટાવર ચોકમાં જાહેર સભા યોજાતી ત્યારે ગામના વેપારીને ત્યાંથી સારી ખુરશી મંગાવીને ઉમેદવાર તથા નેતાઓને બેસાડવામાં આવતા હતા અને જાહેર સભા યોજાતી.

મહિલાઓની હાજરી પાંખી રહેતી
ત્યારે સંયુક્ત કુટુંબ પ્રથા હતી. કુટુંબનો વડા આદેશ કરે તે ઉમેદવારને આખું કુટુંબ મત આપતો હતો. અત્યારે લાખો કરોડો રૂપિયાની શરતો લાગે છે. ત્યારે એ સમયે જસદણમાં ગ્રુપના મિત્રોને લાડવા ખવડાવવાની ચૂંટણીની શરત લગાડવામાં આવી હતી. ઉમેદવારો દ્વારા મતદારોને ઘરે ઘરે આપવામાં આવતી મતદાનની સ્લીપ યુવા વર્ગ લખતો હતો. પરિવારના તમામ લોકો સ્લીપ લખવાની કામગીરી કરતા અને રોજગારી મેળવતા હતા.એ સમયે 100 રૂ.માં નવી સાયકલ આવતી હોવાથી તેમાં નાણા ઉમેરી ખરીદતા.

જસદણમાં ત્યારે ફક્ત બે જ ગાડી હતી
રાજવી પરિવાર પાસે પણ ગાડી હતી. રાજવી પરિવાર સક્ષમ ઉમેદવારને વિનામૂલ્યે ચૂંટણી સમયે તેમની ગાડી પ્રચાર માટે વાપરવા આપતા.

અન્ય સમાચારો પણ છે...