એકબીજાને ખો આપવાની નીતિ:શિવરાજપુરમાં માટીચોરી કરનારા સામે કાર્યવાહીને બદલે TDO એ તમામ જવાબદારી ગ્રામપંચાયત ઉપર ઢોળી દીધી

જસદણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામપંચાયતે ટીડીઓને અહેવાલ મોકલી કાર્યવાહી કરવાની જવાબદારી ખાણ અને ખનીજ વિભાગની જણાવી
  • જવાબદાર તંત્રની એકબીજાને ખો આપવાની નીતિ

જસદણ તાલુકાના શિવરાજપુર ગામે આવેલ ડોળા વિસ્તારમાં અમુક માથાભારે શખ્સો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગૌચરની જમીનમાં ખોદકામ કરી તંત્રની કોઈપણ મંજુરી લીધા વગર બેફામ માટી-મોરમ ચોરી કરવામાં આવી રહી હતી. જો કે, ગ્રામજનો દ્વારા અનેકવાર જવાબદાર તંત્રને ધ્યાન દોરવામાં આવ્યું હતું. છતાં કોઈ કાર્યવાહી નહી કરાતા માટી ચોરોએ ગૌચરની જમીનમાં 20 ફૂટ જેટલા ઉંડા ખાડાઓ કરી રાત-દિવસ માટી ચોરી કરીને તંત્રને ખુલ્લો પડકાર ફેંક્યો હતો.

જોકે આ અંગે શિવરાજપુર ગામના જાગૃત લોકોએ ગૌચરની જમીનમાં ચાલતા આ સમગ્ર કારસ્તાન અંગે દિવ્ય ભાસ્કરને ખાનગી રાહે જાણ કરતા દિવ્ય ભાસ્કરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બે ટ્રેક્ટર તેમજ એક જેસીબીની મદદથી ચાલતા ગેરકાયદેસર માટી ચોરીના કારસ્તાનને પકડી પાડ્યું હતું.

જ્યારે દિવ્ય ભાસ્કરની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે ટ્રેક્ટર નં. GJ-03JC-0233 અને એક નંબર વગરના ટ્રેક્ટરમાં જેસીબી નં. GJ-24S-0663 ની મદદથી બેફામ માટી ચોરી કરવામાં આવી રહી હતી. આમાં જે માટી ચોરી થતી હતી તેને ભૂમાફિયાઓ ખેડૂતોને ખેતરોમાં માટી નાંખવા માટે વેચાણથી આપતા હોવાનું ધ્યાને આવ્યું હતું.

બાદમાં આ સમગ્ર કારસ્તાન અંગે જસદણના ડેપ્યુટી કલેકટર કે.વી.બાટીને જાણ કરાતા તેઓ દ્વારા આ માટી ચોરી કરનારા શખ્સો સામે મામલતદાર દ્વારા સ્થળ તપાસ કરી દંડ સહિતની કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. આ અહેવાલ ગત તા.16 ના દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત કરાતાની સાથે જ જસદણ મામલતદાર દિપસિંહ સોલંકી સહિતની ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવતા માટી ચોરો દ્વારા ગૌચરની જમીનમાં જ ખોદકામ કરી માટી ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાને આવ્યું હતું.

જેથી જસદણ મામલતદાર દિપસિંહ સોલંકીએ સ્થળ તપાસનો રીપોર્ટ જસદણ તાલુકા વિકાસ અધિકારી વી. આર. રાબાને મોકલી આપી કડક કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો. જેથી જસદણ તાલુકા વિકાસ અધિકારી વી.આર.રાબા સહિતની ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવતા માટી ચોરો દ્વારા ગૌચરની જમીનમાં 20 ફૂટ જેટલા ઉંડા ખાડાઓ કરીને લાખો રૂપિયાની માટી ચોરી કરી હોવાનું ધ્યાને આવતા તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું.

બાદમાં જસદણ તાલુકા વિકાસ અધિકારી વી. આર. રાબાએ સ્થળ નિરીક્ષણનો રીપોર્ટ તૈયાર કરી રાજકોટ ખાણખનીજ વિભાગ, જસદણ મામલતદાર, જસદણ ડેપ્યુટી કલેકટરને મોકલી આપી ટીડીઓ દ્વારા ગ્રામપંચાયત પાસે અહેવાલ મંગાવવામાં આવ્યો હતો. જોકે આ પ્રકરણનો ગ્રામપંચાયતે અહેવાલ તૈયાર કરી જસદણ ટીડીઓને પણ આપી દીધો છે.

પરંતુ આ પ્રકરણમાં જસદણ ટીડીઓ દ્વારા ભૂમાફિયાઓ સામે ફોજદારી સહિતની કડક કાર્યવાહી કરવાના બદલે તમામ જવાબદારી ગ્રામપંચાયતના શિરે ઢોળી દેતા ટીડીઓની કામગીરી સામે શિવરાજપુર ગામના જાગૃત લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે સવાલ એ થાય છે, શા માટે જસદણ ટીડીઓ દ્વારા ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવતી નથી?.

શું ટીડીઓને કોઈ મોટા રાજકીય નેતાઓનું દબાણ આવી ગયું છે કે પછી ભૂમાફિયાઓની શરમ આડે આવે છે ? શું ભૂમાફિયાઓ સામે ટીડીઓ કાર્યવાહી ન કરી શકે ? શું માત્ર ગ્રામપંચાયત પાસે જ ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવાની સત્તા છે ? વગેરે વેધક સવાલો શિવરાજપુરના ગ્રામજનોમાં ઉઠી રહ્યા છે.

કાર્યવાહીની સત્તા ગ્રામપંચાયતની હોય છે
ગ્રામપંચાયતને ગુજરાત ગૌણ ખનીજ કન્સેશન નિયમો 2010 મુજબ જરૂરી કાર્યવાહી કરવા માટે જણાવેલ છે. ગૌચરમાં માટીચોરી થતી હોય તેને અટકાવવાની, કાર્યવાહી કરવાની જવાબદારી ગ્રામપંચાયતની છે. સરપંચ, ગ્રામપંચાયતની બોડીને ગૌચરની જમીનની જાળવણી, કાર્યવાહી કરવાની સત્તા હોય છે. જેસીબી, ટ્રેક્ટરનો ઉપયોગ થયો છે તેની સામે ફોજદારી સહિતની કાર્યવાહીની સત્તા ગ્રામપંચાયતની હોય છે. કાર્યવાહી કરવા બાબતે સરપંચ રાજીનામું આપવાની વાત કરતા હોય તો ઉપસરપંચને ચાર્જ અપાશે. > વી. અાર. રાબા, ટીડીઓ, જસદણ

કાર્યવાહી કરવાની જવાબદારી ખાણ-ખનીજ વિભાગની
ગ્રામપંચાયતે ટીડીઓને અહેવાલ મોકલ્યો છે અને જણાવ્યું છે કે, હાલ માટી-મોરમની ચોરી અટકાવી છે. માટીચોરીની બિનઅધિકૃત પ્રવૃતિ માટે ગુજરાત ખનીજ કન્સેશન નિયમો 2010, ગુજરાત મીનરલ નિયમો-2005 અંતર્ગત કાર્યવાહી કરવાની થતી હોઈ જેની સત્તા ભૂસ્તરશાસ્ત્રીને હોઈ આગળની કાર્યવાહી માટે ખાણ અને ખનીજ વિભાગમાં મોકલી આપું છું.

અન્ય સમાચારો પણ છે...