ગ્રાઉન્ડ રિપોર્ટ:શિવરાજપુરમાં ઉમેદવારો ધુપેલિયા ઉપડાવી લેવડાવે છે‘મતના સોગંદ’

જસદણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં ઉમેદવારો નીત-નવીન નુસખા અજમાવે પણ મતદારો કઇ બાજુ ઢળે એ અકળ

વિધાનસભા-72 બેઠકની સામાન્ય ચૂંટણીના ઉમેદવારોના નામ નક્કી થઈ જતાં તમામ પક્ષો અને અપક્ષ ઉમેદવારો દ્વારા મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પ્રચાર સહિતની ગતિવિધિઓ તેજ બનાવી દેવાઇ છે. જો કે હજુ પણ ઉમેદવારો કોઇ તારણ પર આવી શકે તેમ નથી જ.

જસદણ બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીને ધ્યાને રાખીને વિચારીએ હજુ જોઈએ એટલી ઝડપી હલચલ જોવા ન મળતી હોવાનું સ્થાનિક સ્તરેથી સુત્રો જણાવી રહ્યા છે. તેમ છતાં આ વખતની ચૂંટણી કંઈક અલગ રહેવાની અને તેનો ધમધમાટ અગાઉ કરતાં વધુ હોવાનું ચિત્ર અત્યારે તો ઉપસી રહ્યું છે.

જસદણની બેઠકમાં એકજ જ્ઞાતિના બે ઉમેદવારો આમને-સામને હોવાથી લોકો પણ ઉમેદવારોની દરેક આવનજાવન અને નાની મોટી ગતિવિધિની નોંધ લઈ રહ્યા છે. ત્યારે દિવ્ય ભાસ્કર ટીમે ગ્રાઉન્ડ રિપોર્ટ કરી સ્થાનિક સ્તરે ચૂંટણી અંતર્ગત શું થઈ રહ્યું છે? તેના સહિતની વિગતો અહીં પ્રસ્તુત કરવામાં આવી છે.

શિવરાજપુર|બન્ને પક્ષે એક જ જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ આપતાં અમુક મતદારોમાં નારાજગીનો માહોલ
વીરદાસભાઈ રાઠોડ કહે છે કે આ ગામમાં આશરે 4500 મતદારો છે. આ ચૂંટણીમાં બે પાર્ટીએ એક જ સમાજને ટીકીટ આપતા ઈત્તર સમાજના મતદારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. બન્ને પક્ષના ઉમેદવારોને મતદારો સારી રીતે ઓળખે જ છે. જેથી આ ચૂંટણીમાં મતદારો પરિવર્તન લાવવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. દરેક ચૂંટણીમાં નેતાઓ વચનો આપે છે. બાદમાં કામો કરતા ન હોવાના મતદારો દ્વારા બળાપા કાઢવામાં આવી રહ્યા છે.

બાખલવડ | જ્ઞાતિ આગેવાનો સાથે ખાનગી બેઠકો
ગોપાલભાઇ પલાળિયા જણાવે છે કે અહીં આશરે 2400 જેટલા મતદારો છે અને ચૂંટણી મહોત્સવ ધામધૂમથી ઉજવવા મતદારો થનગની રહ્યા છીએ. આ ગામમાં વિવિધ પક્ષોના ત્રણ-ચાર ગ્રુપ સક્રિય છે. આ ગામમાં ત્રિપાંખીયો જંગ જામી શકે છે અને યુવાનોમાં મતદાન કરવાનો વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે આ ગામના મતદારો હજુ સુધી કોની તરફ વળે તે કહેવું મુશ્કેલ છે. મતદારોને પ્રભાવિત કરવા દરેક પક્ષના ઉમેદવારો જેતે જ્ઞાતિના આગેવાનો સાથે ખાનગી બેઠકોનો દાૈર ચલાવી રહ્યા છે.

દેવપરા : હજુ ચૂંટણીનો માહોલ જોઇએ તેવો જામ્યો નથી
વિનુભાઈ સદાદીયા કહે છે કે દેવપરામાં આશરે 1400 જેટલા મતદારો છે. આ ચૂંટણીમાં અંદાજે 1000 મતદારો તો મતાધિકારનો ઉપયોગ કરશે તેવું અનુમાન છે. આ ગામના લોકોની મુખ્ય સમસ્યા પાણી છે. જે કોઈ પક્ષના ઉમેદવારો જે તે જ્ઞાતિના કુટુંબો સાથે બેઠકો કરે છે ત્યારે પાણીનો પ્રશ્ન જ સામે આવે છે. હજી સુધી આ ગામમાં કૌટુંબિક બેઠકો સિવાય કોઈ રાત્રી બેઠકો, ખાનગી દોરીસંચાર કે એવું કશું જ દેખાતું નથી.

ગઢડિયા (જસ) : બંધ બારણે જ બેઠકો , મતદારો પણ નિરસ
સંતોષભાઈ પરમાર કહે છે કે આ ગામમાં આશરે 1200 જેટલા મતદારો છે. આ ગામમાં હજી સુધી એવો કોઇ ચૂંટણીનો માહોલ જામ્યો નથી કે જોવા પણ મળતો નથી. આ ગામમાં બંધ બારણે ઉમેદવારોની બેઠકો થાય છે. મુખ્ય એવી તમામ બેઠકમાં ભલે ત્રિપાંખીયો જંગ હોય. પણ આ ગામમાં તો બે પાર્ટી જ જંગમાં હોય તેવું લાગી રહ્યું છે અને લોકો પણ ચૂંટણીને બહુ મહત્વ આપવાને બદલે રોજિંદા કામને અવગણી શકતા નથી.

ગુંદાળા જામ : વચનોની લહાણી તો થાય, અમને બધું ભાન છે
અનિલભાઈ ખોખરીયા જણાવે છે કે આ ગામે આશરે 620 મતદારો છે. આ ગામમાં સીસી રોડ, પેવર બ્લોક, 24 કલાક વીજળી, ઘરે-ઘરે નળ કનેક્શન, ડામર રોડ, સ્ટ્રીટલાઈટ, ખેડૂતોને સબસીડી સહિતની તમામ સુવિધાઓ મળી રહી છે. ગામમાં મોટાભાગના શિક્ષિત મતદારો હોય માહોલ કઇંક અલગ છે. આ ગામના લોકો કહે છે કે, અમારે શું કરવાનું છે તેની અમને જાણ છે જ.

કનેસરા : અહીંના મતદારો કાયમ બધું ધાર્યું જ કરવા ટેવાયેલા છે
ભાણજીભાઈ માલકીયા કહે છે કે જસદણના કનેસરા ગામે આશરે 3300 મતદારો છે. આ ગામમાં ત્રિપાંખીયો જંગ જામે તેવા કોઈ અણસાર દેખાતા નથી. આ ગામના મતદારો મત આપી લોકશાહી પર્વ ઉજવવા થનગની રહ્યા છે પરંતુ ઝુકાવ કઇ તરફ છે જે કળાવા દે તેવા ભોળા પણ નથી. ઉમેદવારોના આંટાફેરા અને લોભામણી લાલચમાં આવ્યા વગર આ ગામના મતદારો પોતાનું ધાર્યું જ કરે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...