આમાં ક્યાંથી ભણે ગુજરાત?:વીંછિયાના કંધેવાળિયામાં 90 વિદ્યાર્થીને હાઇસ્કૂલના અભાવે શિક્ષણ છોડવું પડ્યું

જસદણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વીંછિયાના કંધેવાળીયાના 90 જેટલા વિદ્યાર્થીને સરકારી હાઈસ્કૂલમાં ધોરણ-11 માં પ્રવેશ નહિ મળતા મજબૂરીમાં શિક્ષણ છોડવું પડ્યું છે. જો કે ખુદ પૂર્વ કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયાના મતવિસ્તારમાં જ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે રઝળપાટ કરવી પડે તે કેટલા અંશે વ્યાજબી ગણી શકાય. વીંછિયાના કંધેવાળીયા ગામે 2011 માં માધ્યમિક શાળા બનાવવા માટે સરકાર દ્વારા મંજૂરી પણ આપી દેવામાં આવી છે. શાળાના નામે જમીન પણ ફાળવી દેવામાં આવી છે અને સરકાર દ્વારા તમામ પ્રકારના મંજૂરી હુકમો પણ કરી દેવામાં આવ્યા છે. છતાં આજદિન સુધીમાં શાળાના બિલ્ડીંગનું બાંધકામ શરૂ નહી થતા તેનો ભોગ ગામના વિદ્યાર્થીઓ બની રહ્યા છે.

કંધેવાળીયા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં 307 વિદ્યાર્થીઓ અને ધોરણ-9 અને 10 માં 110 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ 90 જેટલા વિદ્યાર્થીઓને ધોરણ-11 માં અભ્યાસ કરવા માટે બિલ્ડીંગ નહી મળતા આ વિદ્યાર્થીઓને નાછૂટકે અભ્યાસ છોડવાનો વારો આવ્યો છે. માધ્યમિક શાળાના નવા બિલ્ડીંગનું બાંધકામ શરૂ કરવા માટે કંધેવાળીયા ગામના સરપંચ પ્રીતિનિધિ દ્વારા સરકારમાં અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે. ગામના વિદ્યાર્થીઓના વાલીઓએ ગામના સરપંચના પ્રતિનિધિને સાથે રાખીને સરકારને રજૂઆત કરી હતી કે, 2011 માં સરકારે માધ્યમિક શાળાની મંજૂરી આપી દીધી છે. પણ નેતાઓને બાળકોના શિક્ષણની કોઈ ચિંતા નથી.

અમારા બાળકોને અભ્યાસ છોડાવવો પડ્યો
અમારા ગામના બાળકો વધુ અભ્યાસ કરીને આગળ જવા માંગે છે. પણ ગામમાં શાળા ન હોવાથી હવે અમારે અમારા બાળકોને કેમ ભણાવવા તે પ્રશ્ન બની ગયો છે. હવે તો આ અંગે સરકાર તપાસ કરે કે કેમ શાળાનું બિલ્ડીંગ નથી બનતું? તો જ અમારા જેવા પરિવારના બાળકો આગળ ભણી શકશે. > વિનુભાઇ, વાલી, કંધેવાળિયા

બિલ્ડિંગને મંજૂરી, કામ શરૂ નથી થતું
​​​​​​​ગામમાં શાળા મંજૂર થઈ ગઈ હતી. પણ શાળાનું બાંધકામ થયું નથી. ગામના 90 દીકરા-દીકરીઓને વીંછિયાની સરકારી હાઈસ્કૂલમાં એડમિશન નહી અપાતા આ વિદ્યાર્થીઓને અભ્યાસ છોડવો પડ્યો છે. જો બહારગામ ભણવા મોકલીએ તો દીકરીઓને હોસ્ટેલમાં રહેવું પડે છે . > મનુભાઇ ઓળકિયા, સરપંચ પ્રતિનિધિ

અન્ય સમાચારો પણ છે...