જસદણ તાલુકાના સાણથલી ગામના મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હતી અને ડુંગરાળ વિસ્તારમાં રહેતા હોવાથી તાબડતોબ સિવિલમાં પહોંચી શકાય તેવી સ્થિતિ પણ ન હતી. આથી 108ની ટીમે પહોંચીને ડુંગરાળ વિસ્તારમાં જ જોખમી પ્રસૂતિ હાથ ધરી માતા અને બાળકના જીવ બચાવ્યા હતા. જો કે બાળકનું ઓક્સિજન લેવલ ઓછું હોઇ તેને બચાવવાનું કામ કપરું હતું, છતાં 108ની ટીમે એ કામ હિંમતભેર કરી આપ્યું હતું.
જસદણ તાલુકાના સાણથલી ગામેથી પ્રજ્ઞાબેન ચૌહાણ નામના મહિલાનો 108 માં ફોન આવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે સાણથલી ગામે ડુંગરાળ વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરતા નીલેશભાઈના પત્નિ અરૂણાબેનને પ્રસુતિની પીડા ઉપડતા અસહ્ય દુઃખાવો થવા લાગ્યો છે. જેથી 108 ના પાઈલોટ પુનિતભાઈ વ્યાસ અને ઈએમટી ડો.મેહુલભાઈ દિહોરા તાત્કાલિક જસદણ તાલુકાના સાણથલી ગામના લોકેશન મુજબના ડુંગરાળ વિસ્તારમાં પહોંચતા અરૂણાબેન નામના મહિલાને વધારે દુઃખાવો થવા લાગતા 108 ની ટીમના ડોક્ટર દ્વારા સ્થળ ઉપર જ ડુંગરાળ વિસ્તારમાં પ્રસુતિ કરવાની જરૂર પડતા ત્યાં જ પ્રસુતિ કરાવી હતી.
દીકરાનો જન્મ થયા બાદ બાળકને ઓક્સિજન નોર્મલ કરતા ઓછું હોવાથી 108 ના ડો.ધૃતિબેનના માર્ગદર્શન મુજબ તેને ઓક્સિજન આપી અને મહિલાને પણ ઈન્જેકશન તેમજ બાટલો ચડાવી સાણથલી ગામની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જો કે હાલ નવજાત બાળક અને તેની માતા બન્નેની તબયત સારી હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં માતા અને બાળકને વધુ સારવાર માટે સિવિલમાં લઇ આવવામાં આવ્યા હતા. આ બનાવમાં 108 ની ટીમે બાળક અને માતાનો જીવ બચાવતા સેવાભાવીઓએ તેમની કામગીરીની પ્રશંસા કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.