ત્રીજી લહેરની ઉતાવળ:જસદણના પાંચવડાની શાળામાં 300 વિદ્યાર્થી ઓફલાઇન ભણવા લાગ્યા

જસદણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શાળામાં અભ્યાસ શરૂ થઇ ગયાના સમય બાદ સંચાલકોએ મુખ્ય દરવાજો પણ બંધ કરી દીધો હતો કે જેથી અંદર સ્કૂલ ચાલુ છે તેવી કોઇને શંકા ન પડે. એક જ વર્ગમાં 30થી વધુ બાળકોને બેસાડાયા હતા. - Divya Bhaskar
શાળામાં અભ્યાસ શરૂ થઇ ગયાના સમય બાદ સંચાલકોએ મુખ્ય દરવાજો પણ બંધ કરી દીધો હતો કે જેથી અંદર સ્કૂલ ચાલુ છે તેવી કોઇને શંકા ન પડે. એક જ વર્ગમાં 30થી વધુ બાળકોને બેસાડાયા હતા.
  • સ્કૂલમાં ધો. 1 થી 12ના બાળકો વર્ગખંડમાં સાથે બેસી ભણતા, નાસ્તો કરતા જોવા મળ્યા
  • 36 વિદ્યાર્થીઓ અહીંની હોસ્ટેલમાં જ રહીને અભ્યાસ કરે, અપડાઉન માટે 4 બસ દોડવા લાગી

એક બાજુ કોરોનાની ત્રીજી લહેર દસ્તક દઈ રહી છે. ત્યારે સરકારની કોરોનાની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કરાયો હોય તેવો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં જસદણ તાલુકાના પાંચવડા ગામે આવેલા વિદ્યા આરંભ શૈક્ષણિક સંકુલના સંચાલકે પાંચ દિવસ પહેલાંથી જ ધોરણ 1 થી 12 સુધીના 300 જેટલા વિદ્યાર્થીઓના શિક્ષણકાર્યની ઓફલાઇન શરૂઆત કરી દીધી છે. આ બાબતે સંચાલકે કોઇ મંજુરી પણ લીધી ન હોવાનું ભાસ્કરના રિયાલીટી ચેક દરમિયાન સામે આવ્યું હતું. અને એક ક્લાસમાં 30 થી વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓને બેસાડી શિક્ષણકાર્ય શરૂ હોવાનું દેખાયું હતું.

સંચાલકે ડે સ્કૂલ ચાલુ કરી દેતા બપોરના જમણવાર અને બ્રેકફાસ્ટ સહિત રમતગમતના સમયે બાળકોનો હલ્લાબોલ ચાલી રહ્યો હતો. શું કોરોનાની ગાઈડલાઈનના નિયમો શાળાના સંચાલકોને લાગુ ન પડે. જો અષાઢી બીજની નગરયાત્રામાં નિયમ લાગુ પડતા હોય તો સ્કૂલમાં આટલા બધા વિદ્યાર્થીઓને સરકારના કોઈપણ પરિપત્ર વગર બંધ ઓરડામાં ઠસોઠસ ભરીને વિદ્યા અભ્યાસ કરાવી શકાય ખરો તેવા સવાલો લોકોમાંથી ઉઠી રહ્યા છે. આ પાંચવડાની શાળામાં અભ્યાસ કરતી રાહી નામની વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે હું પાંચ દિવસથી જસદણથી આ સ્કૂલે ભણવા માટે આવું છું. હું સવારે 7 વાગ્યે સ્કૂલે આવું છું અને બપોરે 3-30 વાગ્યે ઘરે જાવ છું.

ક્યા ધોરણમાં કેટલા વિદ્યાર્થી અભ્યાસ કરે છે
આ સ્કૂલમાં ધોરણ-1માં 16, ધોરણ-2માં 8, ધોરણ-3માં 6, ધોરણ-4માં 21, ધોરણ-5માં 16, ધોરણ-6માં 8, ધોરણ-7માં 18, ધોરણ-8માં 31, ધોરણ-9માં 30, ધોરણ-10માં 41, ધોરણ-11માં 17 અને ધોરણ-12માં 48 મળી કુલ 260 વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવવામાં આવી હતી. જોકે સ્કૂલમાં રૂબરૂ તપાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા 300 ને પાર હોવાનું જોવા મળ્યું હતું. સ્કૂલની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી 9 છોકરી અને 27 છોકરા જોવા મળ્યા હતા.

હું કાલે મિટિંગમાં છું એટલે પરમ દિવસે તપાસ કરીશ
અમે કોઈ સ્કૂલને શિક્ષણકાર્ય શરૂ કરવાની મંજૂરી આપી નથી. તે સ્કૂલમાં પાંચ દિવસથી શિક્ષણકાર્ય ચાલુ થઈ ગયું છે તેની મને કોઈ માહિતી મળી નથી. ત્યાં હોસ્ટેલ પણ ચાલે છે તેની મને ખબર નથી. હવે તે સ્કૂલની સ્થળ તપાસ કરી જિલ્લામાં રીપોર્ટ કરવામાં આવશે અને જો સજાપાત્ર હશે તો સજા થશે. પણ હું કાલે એક કેમ્પ છે એટલે ત્યાં જવાનો છું અને પરમ દિવસે તેની મુલાકાત લેશું. - મનીષ વનરા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી,જસદણ

ટીડીઓ પાસેથી અહેવાલ માગી સંચાલક સામે કાર્યવાહી કરાશે
​​​​​​​ સ્કૂલના સંચાલકને આવી કોઈ મંજૂરી આપવામાં આવી નથી. હું અત્યારે જ જસદણ તાલુકા વિકાસ અધિકારી પારસ વાંદાને ત્યાં સ્થળ તપાસ માટે મોકલું છું. પછી ટીડીઓ પાસેથી અહેવાલ માંગી સ્કૂલના સંચાલક સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. - પ્રિયાંકકુમાર ગલચર, પ્રાંત અધિકારી

સરકાર અમને કહેશે ત્યારે અમે શાળા બંધ કરી દઇશું
મેં પાંચ દિવસ પહેલાં અભ્યાસ ચાલુ કરાવ્યો છે. સરકાર આગામી તા.15 થી નિદાન કસોટીની મંજૂરી આપવાની જ છે એટલે મેં શાળા ચાલુ કરી. મે કોઈની પરમીશન નથી લીધી. જો કોરોનાની ત્રીજી લહેર આવશે તે પહેલા સરકાર અમને કહેશે તો અમે બંધ કરી દેશું. અમારા ગામડાઓમાં કોરોનાનો એકપણ કેસ નથી. હાલ મારી શાળામાં 8 થી 9 ગામના વિદ્યાર્થીઓ આવે છે. જો કોઈ વિદ્યાર્થીને કોરોના થશે તો તેની જવાબદારી સંસ્થાની જ ગણાય. અમારે અત્યારે ડે સ્કૂલ ચાલે છે અને તેનો સમય સવારે 9 થી બપોરના 2-45 સુધીનો છે. અમારે અત્યારે ગ્રામ્ય વિસ્તારના બાળકોને સ્કૂલે લાવવા માટે 4 બસો ચાલે છે. -બીપીનભાઈ ટાઢાણી, સંચાલક,વિદ્યા આરંભ શૈક્ષણિક સંકુલ,પાંચવડા

અન્ય સમાચારો પણ છે...