નવો ઘટસ્ફોટ થયો:જસદણમાં નગરપાલિકાની જમીનના પંચરોજકામમાં પ્રમુખની સહી જ નથી !

જસદણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સહીની ચકાસણી કરતાં મહિલા પ્રમુખના પતિએ જ સિક્કાનો દુરુપયોગ કર્યો હોવાનું સામે આવ્યું

જસદણના નવા બસસ્ટેન્ડ પાછળ આવેલા સમાત રોડ પર બિલ્ડર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે દુકાનોનું બાંધકામ કરાઇ રહ્યું છે, પરંતુ પાલિકાની આ સરકારી જમીનમાં અધિકારીઓ-પદાધિકારીઓની મિલીભગતથી પંચરોજકામમાં પાલિકા પ્રમુખના સિક્કાનો દુરુપયોગ કરવા સહિતના ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરી તેના આધારે આ ગેરકાયદેસર બાંધકામ ખડકાતું હોવાની સામાજિક કાર્યકર સુરેશભાઈ છાયાણી દ્વારા લેખિતમાં ફરિયાદ કરાઇ હતી.

આ ગેરકાયદેસર બાંધકામ અંગે સામાજિક કાર્યકર પાસે કોર્ટના ચુકાદા સહિતના તમામ સરકારી દસ્તાવેજો, જસદણ નગરપાલિકાની જ આ સરકારી જમીન હોવા સહિતના સચોટ દસ્તાવેજી પુરાવાઓ પણ છે. છતાં આજદિન સુધી જસદણ પાલિકા તંત્ર દ્વારા બિલ્ડર સામે કાર્યવાહી કરવાના બદલે આંખ આડા કાન કરાતા બિલ્ડરે નિયમોની ઐસીતૈસી કરી નગરપાલિકા પાસે આ બાંધકામ કરવાની મંજુરી લીધા વગર જ ત્રણ માળનું બિલ્ડીંગ ખડકી દેતા અનેક સવાલો ઉઠવા પામ્યા હતા. ત્યારે આ ગેરકાયદેસર બાંધકામ બાબતે વધુ એક ઘટસ્ફોટ થયો છે.

જેમાં જસદણ નગરપાલિકાની સરકારી જમીન અંગે થયેલ પંચરોજકામમાં પાલિકા પ્રમુખના પતિએ જ સિક્કાનો દુરુપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં જસદણ પાલિકા પ્રમુખનો સિક્કો મારી તેમની સહીની જગ્યાએ તેના પતિએ જ સહી કરી તંત્રને ગેરમાર્ગે દોરવાનું કૃત્ય કરતા ચકચાર મચી ગઈ છે.

આ અંગે પાલિકાના ઈન્ચાર્જ ચીફ ઓફિસરને પંચરોજકામમાં પાલિકાના પ્રમુખની સહી ન હોવાનું અને તેના બદલે તેના પતિએ સહી કરી હોવાનું તપાસમાં ખુલતા મોઢા તેટલી વાતો થવા લાગી છે. જો કે જસદણ નગરપાલિકા પ્રમુખના સિક્કાનો ગેરઉપયોગ કરવા બદલ ખરેખર પ્રમુખના પતિ વિરુદ્ધ ફોજદારી સહિતની કાર્યવાહી કરવી જોઈએ અને અગાઉ જે પંચરોજકામ કરાયું છે તે રદ કરવું જોઈએ.

પ્રમુખના પતિની જ સહી છે
એ પંચરોજકામમાં પ્રમુખની સહી નથી તેમના પતિની જ સહી છે. આમાં કોઈ કાર્યવાહી તો ન થાય, કારણ કે એક પંચ તરીકે તો એ સહી કરી શકે. કદાચ તે સમયે આ પંચરોજકામ તૈયાર કરીને ગયા હોય ત્યારે પ્રમુખ કદાચ ફ્રી ન હોય તો આવું બન્યું હોય. > અશ્વિન વ્યાસ, ઇન્ચાર્જ ચીફ ઓફિસર, જસદણ

અન્ય સમાચારો પણ છે...