જસદણ પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓના પાપે રોડ-રસ્તા, પાણી, સફાઈ, સ્ટ્રીટલાઈટ, ગટર સહિતની સમસ્યા ફાટીને ધુમાડે જતા નગરજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. છતાં તંત્રના પેટનું પાણી પણ ન હલતા નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે શહેરની તાલુકા પંચાયત કચેરી પાસેના વિસ્તારના મેઈન રોડ પર રોજ હજારો લોકોની અવરજવર રહે છે. પરંતુ 15 દિવસથી ભૂગર્ભ ગટરની કુંડીનું ઢાંકણું તૂટેલી હાલતમાં પડ્યું હોવાથી રહીશોમાં અકસ્માતનો ભય વધ્યો છે.
આ રોડ પર નિયમિત લોકોની અવરજવર રહેતી હોવાથી લોકોના જીવ જોખમમાં મુકાયા છે. જો કે આ અંગે સ્થાનિક રહીશો દ્વારા અનેકવાર પાલિકાના જવાબદારોને રજૂઆતો કરી છે. છતાં આજદિન સુધી પાલિકાના જવાબદારો દ્વારા ગટરના તૂટેલા ઢાંકણાનું રિપેરીંગ કામ ન કરાતા રહીશોએ આખરે તૂટેલી ગટરની કુંડીમાં સાવધાની માટે ડિવાઈડર મૂકી રોષ ઠાલવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, નગરજનો પોતાની સલામતી માટે જાતે જ પગલા ભરતા હોવાથી સત્તાધીશો અને અધિકારીઓને લાધ્યું ફાવે છે. જેથી વિકાસની વાતો કરનારા જસદણના સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા વહેલી તકે લોકોની સુખાકારી માટે વિવિધ પડતર સમસ્યા હલ કરવાની કામગીરી કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. નહિતર આગામી વિધાનસભાની ચુંટણીમાં લોકો અસલી મિજાજ દેખાડશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.