કાર્યવાહી:જસદણમાં પિતા-પુત્રના આપઘાત કેસમાં નવ વ્યાજખોરના નામ ખુલ્યા

જસદણ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વ્યાજની પઠાણી ઉઘરાણીથી ત્રાસીને પિતા-પુત્રે તાણી લીધી મોતની સોડ

જસદણના શ્રીનાથજીચોકમાં રહેતા અને સિવિલ હોસ્પિટલ નજીક કોલેજિયન હેર કટીંગનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવતા પિતા-પુત્રએ બે દિવસ પહેલા એક સાથે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતાં જસદણ પંથકમાં અરેરાટી છવાઈ ગઈ હતી. જો કે આ આપઘાત કરવા પાછળના કારણમાં દેણુ થઈ જતા અને વ્યાજના વિષચક્રમાં ફસાઈ જતા વ્યાજખોરોની કડક ઉઘરાણીએ પિતા-પુત્રને આપઘાત કરવા માટે મજબુર કર્યાનું પરિવારજનોએ જણાવતા જસદણ પોલીસ મથકના પીઆઈ કે. જે. રાણા અને રાઈટર મથુરભાઈ સહિતનાઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

દરમિયાન જસદણ પોલીસે બન્ને મૃતક પિતા-પુત્રના મોબાઈલ કબજે કરી અને કોલેજીયન હેર આર્ટ નામની દુકાન પરિવારજનોને સાથે રાખીને ખોલી તેમાંથી વ્યાજખોરોના હિસાબી દસ્તાવેજો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મૃતક પિતા-પુત્રએ કોની-કોની પાસેથી કેટલા રૂપિયા કેટલા ટકા વ્યાજે લીધા હતા સહિતની વિગતો જાણવા પોલીસે વધુ તપાસ હાથધરી હતી. જો કે જસદણ પોલીસને મળેલા મોબાઈલના આધારે તેની કોલ ડીટેઈલ કાઢી રેકોર્ડિંગ ચકાસતા 8 થી 9 જેટલા વ્યાજખોરના નામો સામે આવતા પોલીસે તે તમામ વ્યાજખોરોને સકંજામાં લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.

આ આપઘાતના બનાવમાં મૃતક રમેશભાઈ બડમલીયાના પુત્ર પ્રિતેશની ફરિયાદના આધારે જસદણ પોલીસે પિતા-પુત્રને મરવા મજબુર કરનાર વ્યાજખોરોને પકડી પાડવા જુદી-જુદી દિશામાં તપાસ હાથ ધરી છે. હાલ જસદણ પોલીસ મથકના પીઆઈ કે.જે.રાણા દ્વારા આ આપઘાતના બનાવ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ દરમિયાન વધુ અનેક વ્યાજખોરોના નામો ખુલવાની શક્યતાઓ પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...