બેદરકારી:જસદણમાં તંત્રે લાખોના ખર્ચે હાઈમાસ્ટ ટાવર નાખ્યા પરંતુ રાતલડી ઘોર અંધારી!

જસદણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શોભાના ગાંઠિયા સમાન હાઇમાસ્ટ ટાવર શરૂ કરવામાં પાલિકાની અક્ષમ્ય ઢીલ

જસદણ નગરપાલીકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે લોકોની સુખાકારી માટે રાત્રીના અંજવાળા પાથરવા માટે હાઈમાસ્ટ ટાવર ઉભા તો કર્યા હતા. પરંતુ હાલ જસદણ શહેરમાં ઉભા કરવામાં આવેલા હાઈમાસ્ટ ટાવર શોભાના ગાંઠીયા સમાન બની ગયા છે. નવલી નવરાત્રીનો પ્રારંભ થયો છે અને લોકો ખેલૈયાઓના રાસ-ગરબા જોવા માટે શહેરની સફર માટે નીકળે છે. પરંતુ જસદણ પાલિકાએ અજવાળા પાથરવા માટે ઉભા કરેલા મોટાભાગના હાઈમાસ્ટ ટાવર બંધ હોવાથી લોકોને રાત્રીના ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે.

જસદણ શહેરના વાજસુરપરા મેઈન રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં ઉભા કરાયેલા હાઈમાસ્ટ ટાવર વર્ષમાં ચારેક માસ જ અજવાળા પાથરે છે. જ્યારે મોટાભાગના વિસ્તારોમાં ઉભેલા હાઈમાસ્ટ ટાવર અજવાળા પાથરવા માટે નગરપાલિકાની ટીમની રાહ જોઈ રહ્યા છે. જો કે આ અંગે જસદણના જાગૃત નાગરીકો દ્વારા નગરપાલિકાના જવાબદારોને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. છતાં હજુ સુધી શોભાના ગાંઠીયા સમાન ઉભેલા હાઈમાસ્ટ ટાવર શરૂ નહી કરાતા લોકોમાં નગરપાલિકા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ, જસદણમાં ઉભા કરવામાં આવેલા હાઈમાસ્ટ ટાવરનો કોન્ટ્રાક્ટ રાજકોટની એજન્સીને આપવામાં આવ્યો છે અને કોન્ટ્રાક્ટરને જસદણ નગરપાલિકા દ્વારા બાકી બીલનું ચુકવણું કરાતું ન હોવાથી તેનો ભોગ જસદણની પ્રજા ભોગવી રહી છે. જેથી જસદણ નગરપાલિકાના જવાબદારો દ્વારા શહેરભરના બંધ પડેલા હાઈમાસ્ટ ટાવરને શરૂ કરી અંજવાળા પાથરવાની કામગીરી કરવામાં આવે તેવી જસદણની જાગૃત જનતાની માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...