બેદરકાર તંત્ર:જસદણ તાલુકા પંચાયત કચેરીમાં એટીડીઓ શાખા સહિતના ટેબલ ફરજ સમયે જ ખાલી

જસદણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
તાલુકા વિકાસ અધિકારીની જગ્યા ખાલી હોય ચાર્જ મામલતદાર પારસ વાંદાને આપ્યો હોવાથી તેનો લાભ આ આળસુ અધિકારી ઉઠાવી રહ્યા છે - Divya Bhaskar
તાલુકા વિકાસ અધિકારીની જગ્યા ખાલી હોય ચાર્જ મામલતદાર પારસ વાંદાને આપ્યો હોવાથી તેનો લાભ આ આળસુ અધિકારી ઉઠાવી રહ્યા છે
  • ચાલુ ફરજે સરકારી બાબુઓની ગુટલી : 58 ગામના અરજદારોને કચેરીએ ધક્કા થાય છે

હાલ જસદણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે. પરંતુ કોંગ્રેસના શાસનમાં આ કચેરીના સરકારી બાબુઓને ફરજ સમયે મનફાવે ત્યારે ટેબલ રેઢા મુકીને ચાલ્યા જવાનો જાણે કે સત્તાધીશો કે ઉચ્ચ અધિકારીઓએ પીળો પરવાનો આપી દીધો હોય તેવા ઘાટ જોવા મળ્યા હતા. જસદણ તાલુકા પંચાયત કચેરી હેઠળ આવતા 58 ગામોના અરજદારો જ્યારે કામ સબબ આ કચેરીએ આવે છે. ત્યારે જવાબદાર અધિકારીઓના ટેબલ ખાલી જ જોવા મળતા હોવાથી ધરમનો ધક્કો ખાઈને પરત ફરવાનો વારો આવે છે.

જોકે હાલ આ કચેરીમાં જસદણ તાલુકા વિકાસ અધિકારીની જગ્યા ખાલી પડી હોવાથી તેનો ચાર્જ જસદણ મામલતદાર પારસ વાંદાને આપવામાં આવ્યો હોવાથી તેનો લાભ આ આળસુ સરકારી બાબુઓ ઉઠાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ અંગે જસદણ તાલુકા પંચાયત કચેરીમાં જ્યારે દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા બુધવારે સવારે 11-51 કલાકે રૂબરૂ તપાસ કરવામાં આવી તો લેન્ડ શાખા, 100 ચોરસ વાર શાખા, રજીસ્ટ્રી શાખા, રેવન્યુ શાખા, એટીડીઓ શાખા અને કોમ્યુટર શાખાના ટેબલો જવાબદાર સરકારી બાબુઓ વગર ખાલીખમ જોવા મળ્યા હતા.

ત્યારે સવાલ એ થાય છે કે ગુજરાત સરકાર દ્વારા આ કચેરીના સરકારી બાબુઓને લોકોના સમયસર કામ કરવા માટે તગડો પગાર આપવામાં આવે છે. છતાં ક્યાં કારણોસર આ કચેરીના સરકારી બાબુઓ મનફાવે ત્યારે ટેબલ રેઢા મુકીને ચાલ્યા જાય છે તે તપાસનો વિષય બની જાય છે. જેથી જસદણ તાલુકા પંચાયત કચેરીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ફરજમાં બેદરકારી દાખવનારા વિવિધ શાખાના અધિકારીઓ વિરુદ્ધ શિક્ષાત્મક પગલા ભરવામાં આવે તેવી લાચાર અરજદારોની માંગણી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...