જસદણ શહેરના વિવિધ વિસ્તારોમાં હડકાયા શ્વાને આતંક મચાવતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. છતાં જસદણ નગરપાલિકા તંત્ર અને પશુ ડોક્ટર દવાખાનાના જવાબદાર તંત્રએ હડકાયા કુતરાને પકડવાના બદલે કોઇ જ પગલાં ન લેતાં લોકોને રાત્રીના સમયે સિવિલ હોસ્પિટલ ખાતે ઈન્જેકશન લેવા માટે દોડવું પડ્યું હતું.
જો કે આવી મોટી ઘટના જસદણમાં બની છતાં નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદીએ ફોન રીસીવ કરવાની તસ્દી પણ લીધી ન હતી અને નગરપાલિકાના હેડકલાર્કે આવી કોઈ ઘટના અમારા ધ્યાને આવી નથી તેવું જણાવતા પાલિકાની જવાબદારી અને કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા હતા.જસદણમાં સાંજના 6 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધી હડકાયા શ્વાને આતંક મચાવતા લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી.
આ હડકાયા શ્વાને જસદણ શહેરના આદમજી રોડ, ડીએસવીકે હાઈસ્કૂલ, ખાનપર રોડ સહિતના વિસ્તારોમાંથી પસાર થતા 10 થી વધુ લોકોને બચકા ભરતા જસદણની સિવિલ હોસ્પિટલ ખાતે લોકોએ ઈન્જેકશન લેવા માટે દોડાદોડી કરી હતી. જોકે જસદણની સિવિલ હોસ્પિટલમાં હડકાયા કુતરા કરડવાના ઈન્જેકશન ઉપલબ્ધ હોવાથી ભોગ બનનાર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
જે લોકો શ્વાનના આતંકનો ભોગ બન્યા તેમાં રોશન રમેશભાઈ વાઘેલા, જમનાબેન કાળુભાઈ, વિલાસબેન રશ્મીભાઈ સાકરીયા, હંસાબેન રવજીભાઈ, અનિલભાઈ સોની, નીલ પંડ્યા, જેસવ જમોડ, સાગર ઝાપડીયા, હંસાબેન ધીરૂભાઈ અને રક્ષિત આરકા સહિતનાનો સમાવેશ થાય છે. જે બધા જ રાત્રીના સમયે ઈન્જેકશન લેવા માટે જસદણની સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા અને હોસ્પિટલ ધમધમતી થઇ ગઇ હતી.
અમારા ધ્યાને કોઈ વાત આવી નથી
અમારી પાસે આવી કોઈ અરજી આવી નથી અને અમારા ધ્યાને આવી કોઈ વાત આવી નથી. હું આ રજૂઆત કાલે અમારા ચીફ ઓફીસરને ધ્યાને મૂકીશ અને તેમની કક્ષાએથી જે સુચના મળશે તે મુજબ કાર્યવાહી કરીશું. - સંજયભાઈ ડાભી, હેડ ક્લાર્ક, નગરપાલિકા, જસદણ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.