જસદણમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદના લીધે ખેડૂતોની સાથે ઈંટ ઉત્પાદકોને લાખોની નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. જેમાં જસદણમાં 30 જેટલા ઈંટોના ભઠ્ઠા આવેલા છે. જેમાં તમામ ઈંટ ઉત્પાદકો દ્વારા ભઠ્ઠામાં એકસાથે લાખો ઈંટોનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે.
ત્યારે જસદણ શહેર અને પંથકમાં બે દિવસથી પડી રહેલા વરસાદના લીધે ઈંટો ઉત્પાદકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. કારણ કે ઈંટ ઉત્પાદકો દ્વારા દરેક ભઠ્ઠા દીઠ લાખ જેટલી ઈંટો બનાવવામાં આવતી હોય છે. પરંતુ અચાનક વરસાદ પડતા ઈંટ ઉત્પાદકોએ બનાવેલ કાચી ઈંટ વરસાદી પાણીમાં ગળી જતા ઈંટ ઉત્પાદકોને લાખો રૂપિયાની નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ઈંટ ઉત્પાદકને માટીની એક ઈંટ તૈયાર કરવા પાછળ રૂ.5 જેટલો ખર્ચ બેસતો હોય છે.
જેથી રાજ્ય સરકાર દ્વારા જસદણના તમામ ઈંટોના ભઠ્ઠાનો સર્વે કરી ઈંટ ઉત્પાદકોને થયેલ નુકસાનીનો સર્વે કરી યોગ્ય વળતર ચુકવવામાં આવે તેવી મહેશભાઈ સાકરીયા, ભુપતભાઈ અને ચંદુભાઈ કાસમપરા સહિતના તમામ ઈંટ ઉત્પાદકોની માંગ ઉઠવા પામી છે.
15 લાખથી વધુ ઈંટ ધોવાઇ ગઇ
માવઠાંના લીધે એક ઈંટના ભઠ્ઠા દીઠ 40થી50 હજાર ઈંટને નુકસાની પહોંચી હતી. હવે નુકસાન થયેલા માલને હટાવી નવો ફરીથી રાત-દિવસ મહેનત કરી માલ બનાવવો પડશે. ફરીથી કારીગરને ડબલ મજૂરી આપવી પડશે અને ડબલ દાડી પણ લાગશે. આ ઈંટનો હવે અન્ય કોઈ જગ્યાએ ઉપયોગ થઈ નહી શકે.સરકાર અમને આ નુકસાની અંગે સહાય આપે તેવી માંગણી છે. > મહેશભાઇ સાકરિયા, ઇંટ ઉત્પાદક, જસદણ
અમારે માલ અને મજૂરી બન્ને પાણીમાં
જસદણના તમામ ભઠ્ઠાવાળાઓની ઈંટ વરસાદના લીધે ગળી ગઈ છે. નુકસાની થઇ તેટલો માલ ફરીથી બનાવવા માટે અંદાજે 10થી15 દિવસ જેટલો સમય લાગશે. આ ઈંટોનો માલ પલળી જતા અમારે માલ અને મજુરી બન્ને પાણીમાં ગઈ છે. જેથી જસદણના તમામ ભઠ્ઠાવાળાઓને સરકાર દ્વારા યોગ્ય સહાય ચુકવવામાં આવે તો અમે ફરીથી ઉભા થઈ શકીએ તેમ છીએ. > ભૂપતભાઇ લખતરિયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.