રાજ્યમાં લઠ્ઠાકાંડની વચ્ચે જસદણમાં ચાર યુવાનોએ જાણે કે પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ જાહેરમાં દારૂની મહેફિલ માણતો વીડિયો વાઇરલ થતા ચકચાર મચી ગઈ હતી. આમાં આ ચારેય યુવક એકબીજા ઉપર દારૂ ઢોળી રહ્યા હતા અને દારૂ પીઈને ગીત ઉપર ડાન્સ કરી ઝૂમી રહ્યા હતા. જ્યારે એક યુવાન આ તમાશાનો વીડિયો ઉતારતો હતો. આ દારૂની મહેફિલ દરમિયાન નાના બાળકો પણ પાછળ ઊભા હતા અને આ દારૂની મહેફિલનો તમાશો જોતા હોવાનું પણ વીડિયોમાં જોવા મળ્યું હતું.
આ વીડિયો જસદણના મફતિયાપરા વિસ્તારનો હોવાનું અને આ વીડિયો અંદાજે એકાદ મહિના પહેલાનો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. જ્યાં આ દારૂની જાહેરમાં મહેફિલ થઈ હતી તે જસદણ પોલીસ સ્ટેશન સામેનો જ વિસ્તાર હોવાનું જાણવા મળ્યું હતું. જસદણના પીઆઈ કે.જે.રાણાને પૂછવામાં આવતા તેઓ આ બનાવથી સાવ અજાણ હોવાનું અને આ વીડિયો જસદણનો જ છે કે કેમ તેની તપાસ કરી આગળની કાર્યવાહી કરશે તેમ અંતમાં જણાવ્યું હતું.
બોટાદના લઠ્ઠાકાંડમાં 30 લોકોએ જીવ ગુમાવ્યાની ઘટના બહાર આવી છે. ત્યારે એક વીડિયો ફરતો થયો છે. જેમાં ચાર યુવાન જાહેરમાં દારૂ પી રહ્યા છે. આ વીડિયો જસદણના એક વિસ્તારનો હોવાનું સૂત્રો કહી રહ્યા છે. દારૂ બંધીની ધજીયા ઉડાવતા આ વીડિયોમાં દેખાતા યુવાનો કોણ છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.