પર્યાવરણ જાગૃતિ માટે નવતર પ્રયોગ:બરવાળામાં બહેનોએ ઘરે ઘરે જઇ પ્લાસ્ટિકનો કચરો એકઠો કર્યો, બદલામાં છોડ ભેટ આપ્યો

જસદણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેવા રૂડી સંગઠનની ટીમે પ્લાસ્ટિકથી થતા નુકસાનથી લોકોને વાકેફ કર્યા

જસદણ તાલુકાના બરવાળા ગામે સેવા રૂડી સંગઠન-જસદણ ટીમ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સેવા રૂડી સંગઠનના આગેવાન બહેન ડાભી સોનલબેન અને ડાભી મીનાબેનની આગેવાની હેઠળ યોજાયો હતો. જેમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક જે વર્ષો સુધી જમીનમાં રહેવા છતાં પણ જમીનમાં ભળતું નથી અને જમીનને પ્રદુષિત કરતું રહે છે.

આ પડકાર રૂપી પ્રશ્નનો ઉકેલ લાવવા રવિભાઈ દુધરેજીયા કે જેઓ સેવા રૂડી સંગઠન-જસદણના ટીમ લીડર છે જેમને આ એક નવો વિચાર આવ્યો કે, પ્લાસ્ટિકનું ડોર ટુ ડોર કલેક્શન કરવામાં આવે અથવા વેસ્ટ પ્લાસ્ટિકના બદલામાં વૃક્ષ આપી અને પર્યાવરણનું જતન પણ થાય. આવું કરવાથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો નિકાલ પણ થાય, તે વિચારને સાર્થક કરવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સેવા રૂડી સંગઠનના આગેવાન બહેન જેતુબેન ડાભી, ધનીબેન હાંડા, રતનબેન, મુકતાબેન, સુમિતાબેન, ભાનુબેન નાગડકિયા, વર્ષાબેન ડાભી વગેરે બહેનો હાજર રહ્યા હતા. આ તકે બહેનો અને બાળકો સાથે સાપ સીડી રમત રમાડવામાં આવી હતી અને રમત વડે પાણીનું મહત્વ તેમજ જરૂરિયાત મુજબ પાણીનો ઉપયોગ કરવાનું સમજાવવામાં આવ્યું હતું.

ત્યારબાદ સિંગલ યુઝ પ્લાસ્ટિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં બહેનો દ્વારા ગામમાં ઘરે ઘરે જઈને વેસ્ટ પ્લાસ્ટિકનો કચરો ભેગો કરીને એકઠો કરવામાં આવ્યો હતો અને એક વૃક્ષ ભેટ સ્વરૂપે આપી બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા.

આનાથી બહેનોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને વૃક્ષનું મહત્વ સમજી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું બંધ કરી યોગ્ય નિકાલ કરવાનું સમજાવાયું હતું. આ તકે ઉપસ્થિત બહેનો દ્વારા આખા ગામમાં વૃક્ષો વાવો પૃથ્વી બચાવો, એક વિશ્વ એક પર્યાવરણ, જંગલ પૃથ્વીના ફેફસાં છે, વૃક્ષોને બચાવો પૃથ્વીને બચાવો વગેરે સુત્રોચ્ચાર કરી ગામની બહેનોને માહિતગાર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...