જસદણના વાજસુરપરામાં વિધાનસભાની ચૂંટણી પહેલાં રોડ-રસ્તા પ્રશ્ને રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કારણ કે, હાલ વાજસુરપરા મેઈન રોડમાં સી.સી.રોડનું કામ ચાલી રહ્યું છે. પરંતુ આ કામના કોન્ટ્રાક્ટર દ્વારા રોડની બન્ને સાઈડ 8-8 ફૂટની જગ્યા છોડી દઈ રોડની કામગીરી કરવામાં આવતી હોવાથી વિસ્તારવાસીઓમાં ભારે નારાજગી ઉઠવા પામી હતી.
જેને લઈને વાજસુરપરા વિસ્તારના રહીશોએ ભેગા મળી વાજસુરપરા મેઈન રોડને દીવાલથી દીવાલ બનાવવામાં આવે તેવી માંગ કરી હતી. જો વાજસુરપરા મેઈન રોડને દીવાલથી દીવાલ અડાડવામાં નહી આવે તો આવનારી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારતા જસદણ નગરપાલિકા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જો કોઈ નેતાને વાજસુરપરામાં ચૂંટણીલક્ષી સભા કરવી હોય તો પહેલા રોડ બનાવો, નહિતર મત માંગવા કે સભા કરવા આવવું નહી.
મત જોઇતા હોય તો અમને રોડ આપો
હાલ વોર્ડ નં.2 માં વાજસુરપરાના મેઈન રોડનું કામ શરૂ છે. પરંતુ શહેરના ચિતલીયા રોડ પર દીવાલથી દીવાલ સુધી રોડનું કામ કરવામાં આવે છે. તો અમારા વાજસુરપરા વિસ્તારમાં કેમ દીવાલથી દીવાલ રોડ બનાવવામાં તકલીફ પડે છે તે સમજાતું નથી. અમારી શેરીમાં છેલ્લા ઘણા સમયથી રોડ મંજૂર થઈ ગયો છે છતાં હજી સુધી તેનું કામ પણ શરૂ કરાયું નથી. જો કોઈ પક્ષને અમારો મત જોઈતો હોય તો પહેલા રોડ બનાવો નહી તો મતદાનનો બહિષ્કાર કરીશું. >રાજેશભાઈ જમોડ, શેરી નં.17 ના રહીશ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.