આગેવાનોમાં રોષ:લમ્પીની સારવારમાં સરકાર નિષ્ફળ જસદણ હાઇવે પર રસ્તા રોકો આંદોલન

જસદણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્રની નિષ્કાળજીથી વાઇરસે 5 ગાયના જીવ લેતાં આગેવાનોમાં રોષ
  • ના. મામલતદારની પૂરતી સારવાર આપવાની ખાતરીથી આંદોલન સમેટાયું

રાજ્યના અમુક જિલ્લાઓમાં લમ્પી વાયરસનો કહેર વધી રહ્યો છે. તેમાં ગાય વધુ ઝપટમાં આવી રહી છે. જો કે પશુમાં લમ્પી વાયરસના લક્ષણો જણાય તો 1962 હેલ્પલાઈન અથવા મુખ્ય પશુ દવાખાનાનો તાત્કાલિક સંપર્ક કરવા તંત્ર દ્વારા અનુરોધ પણ કરવામાં આવ્યો છે. પરંતુ વિંછીયામાં સરકારી તંત્ર દ્વારા રસ્તે રઝળતા અને પશુપાલકોના પશુઓને યોગ્ય સમયે પૂરતી સારવાર અપાતી ન હોવાથી તાજેતરમાં જ પાંચ ગાયોના મોત નીપજ્યા છે.

જેને લઈને સામાજિક આગેવાન મુકેશભાઈ મકવાણા સહિતના એ જસદણ-વિંછીયા હાઈ-વે પર રસ્તારોકો આંદોલન છેડી સરકારી તંત્રની ઢીલી કામગીરીનો સામે વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રદર્શનમાં પશુપાલકો સહિતના બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ આંદોલનના પગલે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ તકે મુકેશભાઈ રાજપરાએ જ્યાં સુધી સરકારી તંત્ર દ્વારા લમ્પી વાયરસથી બચવા પશુઓને યોગ્ય સારવાર આપવામાં નહી આવે ત્યાં સુધી હાઈ-વે બંધ રખાશે તેવી ચીમકી ઉચ્ચારતા સરકારી તંત્ર મુંઝવણમાં મુકાઈ ગયું હતું.

પશુઓને યોગ્ય સારવાર અપાશે તેવી ખાતરીથી મામલો થાળે પડ્યો
વીંછિયાના સામાજિક આગેવાનો સહિતના પશુપાલકોએ જસદણ-વિંછીયા હાઈ-વે પર લમ્પી વાયરસમાં સરકારી તંત્ર દ્વારા બિમાર પશુઓને યોગ્ય સારવાર અપાતી ન હોવાના આક્ષેપો સાથે રસ્તારોકો આંદોલન છેડ્યું હતું. જેને લઈને નાયબ મામલતદાર મનસુખભાઈ સોરાણીએ આંદોલનકારીઓની રૂબરૂ મુલાકાત લઈ આવતી કાલથી તમામ બિમાર પશુઓને યોગ્ય સારવાર આપવાની અને તમામ પશુઓને લમ્પી વાયરસની વેક્સીન આપવાની ખાતરી આપતા રસ્તારોકો આંદોલન સમેટાયું હતું.

પશુ દવાખાનાના ડોક્ટરને અનેક ફોન કરવા છતા પણ ઉપાડતા નથી
સરકાર માત્રને માત્ર મોટી મોટી વાતો કરે છે કે અમે ગાયો અને પશુઓ બચાવીએ છીએ. ત્યારે વિંછીયાના પશુપાલકો દ્વારા 1962 હેલ્પલાઈનમાં પાંચ-પાંચ વાર ફોન કરવા છતાં ગાયોની સારવાર માટે કોઈપણ પ્રકારની ગાડી આવતી નથી કે સારવાર કરવામાં આવતી નથી. આજે જ સવારથી બપોર સુધીમાં લમ્પી વાઇરસથી પાંચ ગાયના મોત થયા છે. તેમ છતાં પણ વિંછીયાના પશુ દવાખાનાના સરકારી ડોક્ટર કોઈના ફોન પણ ઉપાડતા નથી અને અન્ય કોઈ અધિકારી પણ આ અંગે રસ લેતા નથી. જ્યાં સુધી કોઈ જવાબદાર અધિકારી આવીને અમને ખાતરી નહી આપે કે અમે તમામ પશુને રસી આપી યોગ્ય સારવાર આપીશું ત્યાં સુધી અમારું રસ્તારોકો આંદોલન ચાલુ રહેશે. > મુકેશભાઈ રાજપરા, આગેવાન-વીંછિયા

અન્ય સમાચારો પણ છે...