દસ્તાવેજ કાર્યવાહી:જસદણ માર્કેટ યાર્ડના ડિરેક્ટરની સામાન્ય સભા મળી, 8.75 વીઘા જમીન ખરીદવાનો ઠરાવ મંજૂર

જસદણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યાર્ડની બાજુમાં જમીન ખરીદીનો નિર્ણય અને નિયામકની મંજૂરી બાદ દસ્તાવેજ કાર્યવાહી હાથ ધરાશે

જસદણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા યાર્ડના વિકાસ અર્થે યાર્ડની બાજુમાં જ 8.75 વીઘા જમીન ખરીદવાનો ઠરાવ ગત મંગળવારે મળેલી યાર્ડના ડિરેકટરોની સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર કરાતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી. આ બેઠક જસદણ માર્કેટિંગ યાર્ડના મિટિંગ હોલ ખાતે યાર્ડના ચેરમેન અરવિંદભાઈ તાગડીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી.

સામાન્ય સભામાં જસદણ માર્કેટિંગ યાર્ડની બાજુમાં જ એટલે કે યાર્ડની ભરતી ભેણી સમાન હાલના પાર્કિંગની પાછળની ગોરધનભાઈ વેકરીયા પરિવારની 8.75 વીઘા જમીન એક વીઘાના રૂ.41.50 લાખના ભાવે ખરીદી કરવાનો ઠરાવ પારદર્શક રીતે કામગીરી કરીને સર્વાનુમતે મંજૂર કર્યો હતો. આ ઠરાવ બાદ પ્રવર્તમાન નીતિ નિયમ મુજબ બજાર સમિતિઓના ગાંધીનગર સ્થિત નિયામક તરફથી મંજૂરી આવ્યા બાદ આગામી દિવસોમાં દસ્તાવેજની કાર્યવાહી કર્યા બાદ આ 8.75 વીઘા જમીન વર્તમાન યાર્ડ સાથે ભેળવવામાં આવશે.

યાર્ડમાં સિઝન દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની ખેતપેદાશો વેચવા આવતા હોય સિઝનમાં ખૂબ જ ટ્રાફિક થતો હતો અને ખેડૂતો વેપારીઓ સહિતનાને મોટી મુશ્કેલીઓ પડતી હતી. આ જમીન વર્તમાન 30 વીઘાના યાર્ડ સાથે ભળ્યા બાદ ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર થશે. યાર્ડના વર્તમાન ચેરમેન અરવિંદભાઈ તાગડીયાના શ્રેષ્ઠ સંચાલનને કારણે યાર્ડ પાસે પુરતું ભંડોળ પણ એકત્ર થયું હોય જેથી આ 8.75 વીઘા જમીન ખરીદી માટે પણ પૂરતી રકમ યાર્ડ પાસે ઉપલબ્ધ છે તેમજ આ જમીન ખરીદી કર્યા બાદ ત્યાં વિકાસ કરવા માટે પણ પૂરતું ભંડોળ છે.

આ અંગેની વહીવટી અને કાયદાકીય પ્રક્રિયા સહિતની કામગીરી યાર્ડના ચેરમેન અરવિંદભાઈ તાગડીયા દ્વારા કરાતી હતી. આ બેઠકમાં યાર્ડના ઉપપ્રમુખ પ્રાગજીભાઈ કુકડિયા, ડિરેકટરો મહાવીરભાઈ ઉર્ફે બાવલીભાઈ ધાધલ, અરજણભાઈ રામાણી, ગેલાભાઈ ગળીયા, પ્રેમજીભાઈ રાજપરા, અશોકભાઈ ચાંવ સહિતના તમામ ડિરેકટરો હાજર રહ્યા હતા. જસદણ યાર્ડના સેક્રેટરી બળવંતભાઈ ચોહલીયાએ કામગીરી સંભાળી હતી.

અન્ય સમાચારો પણ છે...