મોંઘવારી:જસદણમાં આમળાં અને શિંગોડા સહિતના ફળો મોંઘાદાટ, ભાવ વધીને ડબલ થતાં ખરીદદારો ઘટ્યાં

જસદણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાટા ફળોના ભાવ સાંભળી દાંત અંબાઇ જાય અને ખિસ્સા ખેચાઇ જાય તેવી સ્થિતિ

શિયાળો ધીમે ધીમે હવે જમાવટ કરશે તેવું લાગી રહ્યું છે. જો કે હજુ પણ દિવસના ભાગે તો ગરમી જ અનુભવાય છે પરંતુ વહેલી સવારે અને મોડી સાંજ પછી પ્રસરી જતી ઠંડકના લીધે શિયાળો ઢુંકડો હોવાનો અહેસાસ થઇ રહ્યો છે. કારતક મહિનો અડધો વીતી જતાં જ આમળાં, શિંગોડા, સંતરા સહિતના આરોગ્ય વર્ધક અને વીટામીન સીથી ભરપુર શક્તિવર્ધક ફળો બજારમાં દેખાવા લાગ્યા છે પરંતુ મોસમની પ્રતિકૂળતાના લીધે પાક ઓછો આવ્યો હોઇ, આવાં ફળોના ભાવ સાંભળીને જ દાંત ખાટાં થઇ જાય તેવું લોકો અનુભવી રહ્યા છે.

શિયાળો તબીયત બનાવવાની મોસમ ગણાય છે અને શોખીનો તેનો ભરપુર ઉપયોગ કરી લેતા હોય છે પરંતુ હજુ આવા લોકોએ શક્તિવર્ધક ફળોના ભાવ ઘટવા માટેની રાહ જોવી પડશે.આ સિઝનમાં સફરજન સસ્તા રહ્યા છે. પણ આ વર્ષે શિંગોડા અને આમળાં મોંઘાદાટ થતાં લોકોની ખરીદ શક્તિનો અભાવ જોવા મળી રહ્યો છે.

જસદણની બજારમાં છૂટકમાં વેચાતા શિંગોડા રૂ.150 અને આમળાં રૂ.100 પ્રતિ કિલો ગ્રામ વેચાઈ રહ્યા છે. આ અંગે જસદણના વેપારી પ્રવિણભાઈ ચોવસિયા જણાવે છે કે સામાન્ય રીતે આમળાં આણંદ અને ખેડા જિલ્લામાંથી અહીં આવતાં હોય છે અને બસમાં કે ટ્રકમાં આવેલો પાક ત્રણ દિવસ સુધી તો તાજો રહે છે ,પછી તેમાં ડાઘ પડવાનું શરૂ થઇ જાય અને આઠ દિવસ સુધી જ રેફ્રીજરેટરમાં પણ તાજાં રહી શકે છે.

આ વખતે આ બન્ને જિલ્લામાં પ્રતિકૂળ હવામાન અને વઘુ વરસાદના લીધે પાક ઓછો આવ્યો છે. આમળાને તો જો કે કોલ્ડ સ્ટોરેજમાં રાખી પણ ન શકાય. તેમ છતાં ગત વર્ષે 400 થી 500 રૂપિયે મણ મળી જતાં આમળાં આ વખતે 1000થી 1200 રૂપિયે મણ મળી રહ્યા છે. જેના લીધે ખરીદદારોમાં કચવાટની લાગણી છે. જો કે તેમણે આ તકે એવી ધારણા વ્યક્ત કરી હતી કે આગામી સમયમાં આ બન્નેના ભાવ ઘટી શકે. જો કે આમળા, શિંગોડાની સિઝન જ ફેબ્રુઆરી સુધીની ગણાય. આથી જાન્યુઆરી સુધીમાં ભાવ ઘટવાની શક્યતા ખરી.

અન્ય સમાચારો પણ છે...