માનસિક ત્રાસથી કંટાળી આપધાત કર્યો:જસદણ યુવાનના આપઘાત કેસમાં પત્નીએ ફરિયાદમાં કહ્યું- ધંધાના પૈસા આપી દીધા છતાં મારા પતિના બંને ભાગીદારો ઉઘરાણી કરતા હતા

જસદણ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર, - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર,
  • જસદણના યુવાનને આપઘાત કરવાની ફરજ પાડનાર મિત્ર અને ભાગીદાર સામે ગુનો દાખલ
  • મિત્રોએ ભાગીદારીમાં શરૂ કરેલો સ્ટુડિયો બંધ થતાં અશોક પર ઉઘરાણીનું દબાણ વધી ગયું’તું

જસદણના ગંગા ભુવન વિસ્તારમાં રહેતા મૂળ સાજડિયાળી ગામના અને છૂટક ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા અશોકભાઈ રવજીભાઈ ઢોલરિયાએ દવા પી આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં પોલીસને સુસાઈડ નોટ મળતાં એમાં જસદણના દામજીનગરના યુગેન ધનજીભાઈ ભૂવા અને લક્ષ્મણનગરના અરવિંદ વલ્લભ હીરપરાના નામનો ઉલ્લેખ કર્યો હતો. એમાં પૈસા મામલે બન્નેએ હેરાનગતિ કરતાં પગલું ભર્યાનો ઉલ્લેખ જાણવા મળતાં મૃતકની પત્ની શીતલબેનની ફરિયાદના આધારે બન્ને સામે આપઘાત કરવાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી આટકોટ પોલીસે તેમને પકડી પાડવા તજવીજ હાથ ધરી હતી.

શીતલબેને ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે ‘10 વર્ષ પહેલાં મારા પતિ તથા મારા કૌટુંબિક મામાના દીકરા અરવિંદભાઈ વલ્લભભાઈ હીરપરા અને મારા પતિના મિત્ર ગિરીશભાઈ બચુભાઈ પરમારે ભાગીદારીમાં સ્ટુડિયો શરૂ કર્યો હતો. એ સ્ટુડિયો બાદમાં બંધ થઈ જતાં ગિરીશભાઈને તથા મારા પતિએ અરવિંદભાઈને પૈસા દેવાના થતા હતા. જેમાં અમે અમારા ભાગના રૂ.3 લાખ અરવિંદભાઈને 3 વર્ષ પહેલાં હપતે-હપતે આપી દીધા હતા. બાદમાં ગિરીશ પરમાર જસદણ મૂકીને ક્યાંક જતા રહ્યા હોઇ અરવિંદભાઇ મારા પતિ પાસે ઉઘરાણી કરતા હતા.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘બીજી તરફ મારા પતિના નામે તેમના મિત્ર યુગેન ભૂવાએ સાડાતેર લાખની કાર લોન લીધી હતી. એના હપતા ભરવાના મેસેજ આવતા હતા અને યુગેન ફોન ઉપાડતો નહોતા. જેથી મારા પતિને પૈસાનું ભારણ રહેતું હતું. તાજેતરમાં હું તથા મારી દીકરી કેશોદ મારા માવતરના ઘરે ગયા હતા. ત્યારે મારા પતિએ મને અમુક વીડિયો મોકલ્યા હતા, જે મેં જોયા બાદ તરત જ અશોકને ફોન કર્યો હતો ત્યારે તેમણે મને બધી વાત કરી કે મારે હવે જીવવું નથી. તું હવે મમ્મી-પપ્પાને સાચવજે અને ક્રિસાને પણ સાચવજે, કહી ફોન કાપી નાખ્યો હતો. બાદમાં તેમનો સંપર્ક જ ન થયો. આથી મેં તરત મારાં સાસુ અને અશોકના મિત્ર હાર્દિકને જાણ કરી અને ઘરમાં જ સુસાઇડ નોટ અને ફોન કબજે લીધાં હતાં. તેમણે કઇ રીતે આપઘાત કર્યો એ અંગે હું જાણતી નથી. મૃતકની પત્નીની ફરિયાદને આધારે પોલીસે બન્નેની ધરપકડ કરવા તજવીજ આદરી છે.’