આંદોલન:જસદણમાં પાંચ ઉપવાસી મહિલાની તબિયત લથડી, સારવારમાં ખસેડાઇ

જસદણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરતી મુદ્દે આંદોલન ચલાવતા સફાઇ કામદારોએ અન્નજળનો ત્યાગ કર્યો.
  • પાલિકાના પૂર્વ મહિલા કારોબારી ચેરમેને પાંચેયને હોસ્પિટલ ખાતે ખસેડ્યા

જસદણ પાલિકાના મહિલા સફાઈ કામદારો છેલ્લા ઘણા દિવસથી અધિકારીઓ અને પદાધિકારીઓએ અન્ય અરજદારો સાથે સાંઠગાંઠ કરી સફાઇ કામદારોને કાયમી કરવાનો હુકમ કર્યો હોવાના આક્ષેપો સાથે પ્રતિક ઉપવાસ આંદોલન કરી રહ્યા હતા. ત્યારે ગુરૂવારના રોજ સફાઈ કામદાર મહિલાઓએ અન્નજળનો ત્યાગ કરી ઉપવાસ આંદોલનને વધુ ઉગ્ર બનાવ્યું હતું. જોકે આ ઉપવાસ છાવણીમાં બેઠેલી 5 મહિલાઓની અચાનક જ તબિયત લથડતા તાત્કાલિક 108 એમ્બ્યૂલન્સની ટીમને જાણ કરવામાં આવી હતી.

બાદમાં પાંચેય મહિલાઓની સ્થિતિ નાજૂક હોવાથી કાજલબેન પ્રવિણભાઈ ઘોડકીયાએ 108 ની મદદથી પાંચેય મહિલાઓએ સારવાર અર્થે જસદણની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હજુ જો સફાઈ કામદારોની કરેલી ખોટી ભરતી રદ કરવામાં નહી આવે અને ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવામાં નહી આવે તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ અપાતાં તંત્ર મુંઝવણમાં મુકાઈ ગયું હતું.

ઉપવાસ છાવણીમાં બેઠેલી સફાઈ કામદાર મહિલાઓએ જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા અમારા આંદોલનને બંધ કરાવવા માટે પાલિકાના જવાબદારોએ મેદાનમાં રહેલા પીવાના પાણીના વાલ્વને બંધ કરાવી દીધો હતો અને બાથરૂમને પણ તાળા મારી દીધા હતા. છતાં અમે અમારું આંદોલન ચાલુ રાખ્યું હતું અને અમારા ઘરેથી અમે પીવાનું પાણી મંગાવી આંદોલન ચાલુ રાખ્યું હતું. જો કે આ અંગે જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાને ટેલીફોનીક જાણ કરાતા બીજા દિવસે ફરી પીવાના પાણીના નળમાં પાણી ચાલુ કરાયું હતું.

સફાઇ કામદારો જીદ પર અડીખમ, આંદોલન ઉગ્ર બનાવવા ચીમકી
સફાઇ કામદારોની ભરતીમાં મામકાવાદ ચલાવીને લાગતા વળગતાં લોકોની ભરતી કરી દેવાના વિરોધમાં આંદોલન ચલાવી રહેલા મહિલા સફાઇ કામદારો પૈકી પાંચની તબીયત લથડતાં અને દવા પણ પાણી સાથે પીવાનો ઇન્કાર કરાતાં તેમને 108ની મદદથી સારવાર માટે ખસેડવા પડ્યા હતા છતાં તેમણે જીદ ન મૂકી.

પાંચેય મહિલાએ દવા સાથે પાણી પીવાનો પણ ઈનકાર કરી દીધો
ઉપવાસ છાવણીમાં બેઠેલ ભારતીબેન સાગરભાઈ બારૈયા, રેખાબેન જીતુભાઈ બારૈયા, કાંતાબેન દીપકભાઈ બારૈયા, છાયાબેન હરેશભાઈ બારૈયા અને અનિતાબેન મનસુખભાઈ બારૈયાની તબિયત લથડતા 108 ની ટીમ દોડી આવી હતી. જોકે આ તકે આરોગ્યની ટીમે મહિલાઓને આપેલ દવાઓ પાણી સાથે આપતા મહિલાઓએ અમે તો જળનો પણ ત્યાગ કર્યો છે એટલે દવા સાથે પાણી કેમ પીવું તેમ જણાવી દવા પીવાનો પણ ઈન્કાર કરતા હોસ્પિટલ ખાતે ખસેડવા પડ્યા હતા.

ચીફ ઓફિસરના મોબાઈલની કોલ ડીટેઇલ કાઢવામાં આવે તેવી માગણી
મહિલાઓએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે, જસદણ પાલિકામાં થયેલ ભરતી અંગે જો ઉચ્ચ અધિકારીઓ દ્વારા ચીફ ઓફિસરના મોબાઈલની કોલ ડીટેલ કાઢવામાં આવે તો ભરતી કૌભાંડમાં કોની-કોની સંડોવણી છે અને કોની મીઠી નજર હેઠળ આ કૌભાંડ આચરવામાં આવ્યું છે તેનો ભાંડાફોડ થઈ શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...