ખેડૂતોમાં ચિંતા:ચોમાસું નજીક હોવાના એંધાણ, વહેલો વરસાદ થાય તો પાકને નુકસાનની ભીતિ

જસદણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જસદણ અને રાજકોટ ગ્રામ્ય પંથકમાં વાદળછાયુ વાતાવરણ, અસહ્ય ઉકળાટ

જસદણ સહિત રાજકોટ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં સવારથી વાદળછાયું વાતાવરણ છવાઈ જતા આખો દિવસ અસહ્ય ઉકળાટનો અનુભવ થઈ રહ્યો હતો. મંગળવારે સવારે આકાશમાં અચાનક કાળાડીબાંગ વાદળા છવાઈ જતા કમોસમી વરસાદની અસર દેખાતા ખેડૂતો ચિંતા કરવા લાગ્યા હતા અને જો વરસાદ પડે તો કેરી, ઉનાળુ મગ, તલ સહિતના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી હતી.

જસદણમાં તો અસહ્ય ગરમી જ જોવા મળી હતી. જો કમોસમી વરસાદ પડે તો કેરીના પાકને સૌથી વધુ નુકસાન થાય તેમ છે. સૌરાષ્ટ્રમાં આ વર્ષે ઉનાળુ તલનું મોટા પ્રમાણમાં વાવેતર છે. છેલ્લા ત્રણ વર્ષથી દર વર્ષે કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન છે. થોડા દિવસોથી પવન ઉત્તર તરફનો થઈ જતા ભેજનું પ્રમાણ ઘટ્યું છે અને ગરમીનું પ્રમાણ વધ્યું છે. કર્ણાટક પાસે અટકેલું નૈઋત્યનું ચોમાસું આગળ વધે તેવા સંયોગો જોવા મળી રહ્યા છે.

બે ત્રણ દિવસ પછી ગરમી ઘટવા સાથે અટકી ગયેલી પ્રિ-મોન્સૂન એક્ટિવિટીઝ કાર્યરત થવાની સંભાવના છે. આ વર્ષે ચોમાસું સમયસર રહેશે તેવી હવામાન ખાતાની આગાહીને પગલે ખેડૂતોમાં નવી આશા બંધાઈ છે અને સાથે માવઠું થાય તો હાલના પાકને નુકસાનની ચિંતા પણ કોરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...