વિરોધ:જસદણ પાલિકાના ભ્રષ્ટાચાર સામે બે વર્તમાન અને એક પૂર્વ નગરસેવકનું ઉપવાસ આંદોલન

જસદણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂ. 4 કરોડના રસ્તાનું ટેન્ડર ખોલી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ

જસદણ નગરપાલિકાના વોર્ડ નં.6 ના પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ ડી.ધાધલે રૂ.4 કરોડથી વધુના રોડ-રસ્તાનું પાલિકાએ નિયમ વિરુધ્ધ ટેન્ડર ખોલી ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપો સાથે પાલિકા કચેરીની સામે જ એક દિવસના પ્રતીક ઉપવાસ આંદોલનના મંડાણ કરતા પાલિકા તંત્ર મુંઝવણમાં મુકાઈ ગયું હતું. જો કે આ ઉપવાસ આંદોલનને વોર્ડ નં.1 ના શાસકપક્ષના કોર્પોરેટર કેતનભાઈ લાડોલા અને વોર્ડ નં.2 ના શાસકપક્ષના કોર્પોરેટર કાજલબેન પ્રવિણભાઈ ઘોડકીયા સહિતનાઓએ ટેકો આપી ઉપવાસ આંદોલનમાં જોડાતા પાલિકાનું રાજકારણ ગરમાયું હતું.

ઉલ્લેખનીય છે કે, જસદણ નગરપાલિકામાં છેલ્લા 2 મહિનાથી કારોબારી સમિતિ જ અસ્તિવમાં ન હતી. છતાં પાલિકાના જવાબદારોએ કારોબારી ચેરમેનની સહમતી વગર જ આ ટેન્ડર ખોલી નાખતા ક્યાં નિયમાનુસાર ટેન્ડર ખોલવામાં આવ્યું હતું તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. વધુમાં જસદણ પાલિકા દ્વારા રૂ.4 કરોડના રોડ-રસ્તાનું જે ટેન્ડર ખોલવામાં આવ્યું હતું તેની ગત સામાન્ય સભામાં પણ કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી ન હતી અને આ ટેન્ડર પાલિકાના બાંધકામ શાખાના એન્જીનીયરે મિલીભગત કરીને ખોલી નાંખેલ હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

અધૂરામાં પૂરું પાલિકાએ જે કંપનીને ટેન્ડર આપેલ છે તે કંપનીના પૂરતા ડોક્યુમેન્ટ ઓનલાઈન અરજીમાં પણ આવેલ નથી તોય કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે તે તપાસનો વિષય બની જવા પામ્યો છે. જેથી પાલિકાએ રૂ.4 કરોડનું રોડ-રસ્તાનું ગેરકાયદેસર ખોલેલ ટેન્ડર રદ કરવામાં નહી આવે ત્યાં સુધી પાલિકાના વોર્ડ નં.6 ના પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ ડી.ધાધલ સહિત વોર્ડ નં.1 ના શાસકપક્ષના કોર્પોરેટરો કેતનભાઈ લાડોલા અને વોર્ડ નં.2 ના કોર્પોરેટર કાજલબેન ઘોડકીયા સહિતના લડત ચાલુ રાખશે તેવી ચીમકી ઉચ્ચારતા પાલિકા તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

જે પ્રક્રિયા કરાઇ છે તે નિયમ મુજબ છે
ટેન્ડરના તમામ ડોક્યુમેન્ટ બરાબર જ છે અને તે એજન્સી ઓનલાઈન આવી હોવાથી તેના કોઈપણ ડોક્યુમેન્ટ ત્રણ-ચાર વર્ષ પછી પણ ઓનલાઈન જોઈ શકાય છે. ટેન્ડર પ્રકિયા કરવામાં આવી છે તે નિયમ મુજબ છે. આ ટેન્ડરનું કામ રાજકોટની પટેલ કન્ટ્રકશનને આપેલ છે. - એમ. એન. ડાંગર, મ્યુનિસિપલ ઈજનેર, નગરપાલિકા.

અન્ય સમાચારો પણ છે...