તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આધેડની હત્યા:જસદણના દેવપરામાં વૃદ્ધની ખાટલામાં દોરીથી હાથપગ બાંધી, ડૂમો દઇ હત્યા

જસદણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીરનગરના વૃદ્ધની ભાગિયાએ કરેલી હત્યાની શાહી સુકાઇ નથી ત્યાં એક જ MOથી બીજી હત્યા
  • આધેડની હત્યામાં પણ સ્ત્રીપાત્ર કારણભૂત હોવાની શંકાના આધારે પોલીસ તપાસ શરૂ

જસદણ પંથક જાણે કે હત્યારાઓનું હબ બની ગયું હોય તેમ તાલુકામાં છેલ્લા બે દિવસમાં બે હત્યાના બનાવો સામે આવ્યા છે. વિરનગર ગામે સીમમાં એકલા રહેતા 70 વર્ષીય વૃદ્ધ શંકરભાઈ પોપટભાઈ વેકરિયાનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યાની ઘટનાની શાહી સુકાઇ નથી ત્યાં એ જ મોડસ ઓપરેન્ડીથી ગુરૂવારે બીજી હત્યાનો બનાવ સામે આવતા જસદણ પંથકમાં ચકચાર મચી છે. જેમાં તાલુકાના દેવપરા ગામે 65 વર્ષીય વૃદ્ધને અજાણ્યા શખ્સોએ ખાટલામાં દોરી વડે હાથ-પગ બાંધી, મોઢે ડૂમો દઈ પતાવી દેતા આ ઘટનાની જાણ થતા જ જસદણ પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.

દેવપરા ગામે રહેતા માવજીભાઈ મેરામભાઈ વાસાણી (ઉ.વ.65)ની બુધવારે રાત્રે કોઈ અજાણ્યા શખ્સો હત્યા કરી ફરાર થઈ ગયા હતા. બાદમાં સવારે માવજીભાઈનો મૃતદેહ તેમના મકાનની ઓસરીમાં રાખેલા ખાટલામાં નાડાથી બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો. આથી પરિવારજનોએ જસદણ પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં આ હત્યાના બનાવ પાછળ સ્ત્રીપાત્ર કારણભૂત હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે અને હત્યા બાદ ઘરમાં રહેલો સામાન પણ વેર-વિખેર હાલતમાં જોવા મળ્યો હતો.

દાઝેલા લોકોને મફતમાં મલમ લગાડવાનું કામ આધેડ કરતા હતા
માવજીભાઈ વાસાણી દાઝેલા લોકોને મફતમાં મલમ લગાડી દેવાનું વર્ષોથી કામ કરતા હતા. માવજીભાઈની હત્યાથી નાના એવા દેવપરા ગામમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું. માવજીભાઈની હત્યા શા માટે અને કોણે કરી એ દિશામાં જસદણ પોલીસે તપાસ હાથ ધરી છે.

બૂમો ન પાડે તે માટે વૃદ્ધના મોઢામાં ડૂચો દઈ દીધો
પોલીસની તપાસમાં માવજીભાઈના હાથ-પગ બાંધી અને મોઢા ઉપર ડૂમો દઈ કોઈએ ઢીમ ઢાળી દીધાનું ખુલ્યું હતું. મૃતકના પુત્રો ગામમાં રહે છે. બુધવારે રાત્રે માવજીભાઈને વાડીએ તેના પરિવારજનો ટિફિન દઈ ગયા હતા. ગુરૂવારે સવારે કોઈ મલમ લેવા આવતા માવજીભાઈની લાશ મળી છે.

સવારે દવા લેવા વાળા આવ્યા હતા તે લોકોએ મને ફોન કર્યો કે તમારા પિતાને દોરડાથી બાંધેલા છે, તેવું કહેતા હું તાત્કાલિક ત્યાં આવ્યો હતો અને જોયું તો તેમની હત્યા થઇ ગઇ હતી. ઘરમાં રહેલો સામાન વેર-વિખેર હોવાથી કોઈ જાણભેદુ હોવાનું મને શંકા છે. મેં તાત્કાલિક જસદણ પોલીસને જાણ કરી હતી. > પુનમભાઈ માવજીભાઈ વાસાણી-મૃતકના પુત્ર,દેવપરા

​​​​​​​માવજીભાઈ વર્ષોથી દાઝેલા લોકોને મફતમાં મલમ લગાડવાની સેવા આપતા હતા. ગ્રામજનોની રજૂઆત છે કે હત્યારાઓ પકડાવા જોઈએ અને પોલીસ આ બનાવની તાત્કાલિક કાર્યવાહી કરે નહિતર અમારા ગ્રામજનોને જસદણ મામલતદાર કચેરી અથવા પ્રાંત કચેરીએ જવું પડશે અને આવેદનપત્રો આપવા પડશે. > વિનુભાઈ સદાદીયા, સરપંચ પ્રતિનિધિ,દેવપરા

​​​​​​​વૃદ્ધનાં મોત બાદ અન્ય મહિલાઓ સાથે રહેતી
માવજીભાઈના પત્ની 2012માં બીમારી સબબ મૃત્યુ પામ્યા હતા. બાદમાં 2015 માં તેમણે બીજી મહિલાને ઘરમાં બેસાડી હતી. પરંતુ તેનું પણ બે વર્ષ પહેલા બીમારી સબબ મોત નીપજતા તેઓ એકલા પડી ગયા હતા. બાદમાં બે મહિના પહેલા પાલીતાણાની એક મહિલા દવા લેવાના બહાને સંપર્કમાં આવી હતી અને વૃદ્ધ પાસેથી રૂ.2 લાખ ઉછીના લઈ ત્રણ-ચાર દિવસ સાથે રહી હતી.

​​​​​​​બાદમાં રાત્રીના સમયે એકલતાનો લાભ ઉઠાવી દર-દાગીના લઈ રફુચક્કર થઈ ગઈ હતી. જો કે આ હત્યાના બનાવમાં પાલીતાણાની મહિલા અને તેના સાગરીતોની જ સંડોવણી હોવાની પ્રબળ શક્યતા સુત્રો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...