જળ સમસ્યા:ફિલ્ટર પ્લાન્ટ બંધ હોવાથી જસદણ શહેરના પ્રજાજનોને પીવા માટે દૂષિત પાણી વિતરણ

જસદણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફિલ્ટર કર્યા વિના આલણસાગર તળાવના પાણીનું સીધું શહેરભરમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે

એકબાજુ હજુ જસદણના પ્રજાજનો કોરોનાના નામથી ડરી રહ્યા છે. ત્યારે જસદણ નગરપાલિકા દ્વારા પીવાના પાણીના બદલે દૂષિત પાણી વિતરણ કરવામાં આવતું હોવાથી પ્રજાજનોના આરોગ્ય જોખમમાં મુકાયા છે. જસદણ નગરપાલિકા તંત્ર પ્રજાજનો પાસેથી પાણીવેરો વસુલ કરવામાં જરાપણ ઢીલ કરતું નથી. પરંતુ પીવાના પાણી વિતરણમાં બેદરકારી દાખવતું હોવાથી નગરજનોમાં પાલિકા તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેમાં જસદણ શહેરના અનેક વિસ્તારોમાં આલણસાગર તળાવમાંથી ફિલ્ટર કર્યા વિનાનું પીવાનું પાણી આપવામાં આવતું હોવાથી જનઆરોગ્ય ઉપર ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે.

આ મુદ્દે અવારનવાર નગરપાલિકાના ચીફ ઓફિસર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી દૂષિત પાણીને શુદ્ધ કરવાની કોઈ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી. જસદણ નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતા દૂષિત પાણીમાંથી દુર્ગંધ આવી રહી છે. જે મુદ્દે ત્વરીત પગલાં લેવામાં નહીં આવે તો સંખ્યાબંધ પ્રજાજનો મુશ્કેલીમાં મુકાઈ જશે તેવી હાલ દહેશત હાલ સેવાઈ રહી છે.

પાણી વપરાશમાં લઈ શકાય તેવું પણ નથી
જસદણ શહેરમાં છેલ્લા ઘણા સમયથી દુષિત પાણી પીવા માટે વિતરણ થઈ રહ્યું છે. જોકે આ પાણી દુર્ગંધ મારતુ અને પીવાલાયક ન હોવાથી લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. હાલમાં આલણસાગર તળાવમાંથી આવતું પાણી ફિલ્ટર કર્યા વિનાનું શહેરભરમાં વિતરણ કરવામાં આવે છે. જે પાણી દુર્ગંધ મારે છે અને ડહોળું હોવાથી પીવાનું તો દુર પણ વપરાશમાં લઈ શકાય તેવું નથી. જસદણ શહેરમાં મુખ્ય ગઢડીયા સંપ અને આટકોટ રોડ સંપથી પીવાના પાણીનું વિતરણ થાય છે. તેમાં ગઢડીયા સંપમાંથી અડધા જસદણમાં પાણી વિતરણ થાય છે તે આલણસાગર ડેમમાંથી થાય છે.

જ્યારે આટકોટ રોડ સંપમાંથી વિતરણ થાય છે તે નર્મદા ડેમનું પાણી વિતરણ થાય છે. જેથી તે વિસ્તારોમાં ચોખ્ખુ પાણી વિતરણ કરવામાં આવે છે. જસદણ શહેરમાં ફિલ્ટર પ્લાન્ટ હોવા છતાં બંધ છે. પ્લાન્ટ ચાલુ કરવા માટે પાલિકા દ્વારા સામાન્ય સભામાં ઠરાવ પણ પસાર કરાયો છે અને તે માટે રકમ પણ મંજુર કરાઈ છે. છતાં જસદણની પ્રજાને પીવાનું શુદ્ધ મળતું નથી. જેથી જસદણ નગરપાલિકા દ્વારા તાકીદે ફિલ્ટર પ્લાન્ટ શરૂ કરાઇ તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...