તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોગ્ય તંત્રની બેદરકારી:જસદણના બાખલવડથી કમળાપુર રોડ પર જાહેરમાં મેડિકલ વેસ્ટનો નિકાલ

જસદણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેડિકલ વેસ્ટના નિકાલની ગાઇડલાઇનનો ભંગ છતાં હોસ્પિટલને નોટિસ નહીં

કોરોનાની બીજી લહેરમાં લાખો લોકો સંક્રમિત થયા અને હજારો લોકોને હોસ્પિટલમાં સારવાર લેવી પડી. જેના કારણે હોસ્પિટલોમાં વપરાયેલા ઈન્જેક્શનો, દવાઓના રેપર, બ્લડના સેમ્પલ સહિતના મેડિકલ વેસ્ટમાં જંગી વધારો થયો હતો. ત્યારે જસદણના બાખલવડથી કમળાપુર ગામ વચ્ચેના રોડ પર અનેક જગ્યાએ જાહેરમાં મેડિકલ વેસ્ટનો જથ્થો પડ્યો છે.

આ બન્ને ગામની વચ્ચે જાહેર રસ્તામાં પડેલો મેડિકલ વેસ્ટનો જથ્થો કોઈ હોસ્પિટલ સંચાલકો દ્વારા ખુલ્લેઆમ ફેંકી દેવામાં આવતા લોકોમાં રોગચાળો ફેલાવાની દહેશત ઉભી થઈ છે. આના કારણે લોકોને અને પર્યાવરણને પણ ભારે નુકસાન થઈ શકે છે. આ મેડીકલ વેસ્ટ ગ્રામ્ય વિસ્તારોમાં દવાખાનાના હાટડા નાંખીને બેઠેલા તબીબો દ્વારા ફેંકી દેવામાં આવ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. હોસ્પિટલોમાં વપરાયેલા મેડિકલ વેસ્ટને નષ્ટ કરવા માટેની અને લઈ જવાની પણ ખાસ વ્યવસ્થા હોય છે. તેમ છતાં અમુક તબીબો આવી ગંભીરતા દાખવતા નથી.

આજુબાજુમાં વસતા લોકોના આરોગ્ય પર જોખમ
સિરિંજ, લોહીની વપરાયેલી બોટલો, ગ્લુકોઝ બોટલ, દવાઓ, દવાઓની બોટલો વગેરે વસ્તુઓ જાહેર રોડ નજીક પડી હોવાથી પાણીના જીવો તેમજ વન્ય પ્રાણીઓ માટે ગંભીર જીવનું જોખમ ઉભું થવા પામ્યું છે. આજુબાજુમાં વસતા લોકોના આરોગ્ય પરનું જોખમ પણ વધી રહ્યું છે. જેથી જેતે જવાબદારો દ્વારા આ મેડિકલ વેસ્ટના નમૂનાઓ એકત્ર કરી આ અંગે જરૂરી તપાસ આદરી આ નમૂનાઓ ક્યાં દવાખાનામાં વપરાયા હતા તેના રજિસ્ટર ચેક કરવામાં આવે. ત્યારબાદ જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તેવી જસદણના લોકોની પ્રબળ માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...