આયોજન:સેતુબંધ રામેશ્વરધામથી નીકળેલી શિવયાત્રાનું જસદણમાં આગમન, ભક્તિભાવપૂર્ણ સ્વાગત

જસદણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 12 જ્યોતિર્લિંગના દર્શન કરી આ યાત્રા વારાણસી પહોંચશે, જ્યાં 13મા જ્યોતિર્લિંગની સ્થાપના કરાશે

સેતુબંધ રામેશ્વરથી નીકળેલી શિવયાત્રા સોમવારે રાત્રીના જસદણના ગોખલાણા રોડ પરના રામેશ્વર મંદિર ખાતે પહોંચી હતી અને આ વખતે રામેશ્વર મંદિરના સહયોગી ભરતભાઈ છાયાણી, રામેશ્વર યુવક મંડળના હરેશભાઈ ઢોલરીયા, ધીરૂભાઈ છાયાણી, મનુભાઈ ઢોલરીયા, ચંદુભાઈ રાદડીયા સહિતના સભ્યો અને બાળાઓ દ્વારા ભગવાન શિવના સામૈયા લઈ કુમકુમ તિલક કરી ફૂલહાર કરી સ્વાગત કર્યું હતું. આ તકે હજારોની સંખ્યામાં શિવભકતો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને ભગવાન શિવના 13માં જ્યોતિર્લિંગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આ શિવયાત્રા સેતુબંધ રામેશ્વરથી નીકળી હતી અને 14,500 કિ.મી. નું અંતર કાપી 12 જ્યોતિર્લીંગના દર્શન કરી વારાણસી પહોંચશે. આ શિવયાત્રામાં લીગલ રાઈટ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ગુરુજી ટીવી મદનકુમાર, વાહન ચલાવીને આવેલી સાધ્વીબેન રાજલક્ષ્મી મનડા સાથે સુંદરવનના મહંત મોરારીબાપુ, ડભોઈ પાલિકાના પૂર્વ પ્રમુખ વિનોદભાઈ સોલંકી સહિતના શિવભકતો જોડાયા હતા.

આ શિવયાત્રાએ ગોખલાણા રોડ પર આવેલ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે નવનિર્માણ થનાર વૃદ્ધાશ્રમ ખાતે રાત્રી રોકાણ કરતા સ્વયં શંકર ભગવાન પધાર્યા હોય તેવો માહોલ સર્જાયો હતો. બાદમાં આ શિવયાત્રાએ સોમવારે ભજન-ભોજન સાથે રાત્રી રોકાણ કરી મંગળવારે સવારે 9-30 કલાકે શિવલિંગની પૂજા-અર્ચના કર્યા બાદ વેરાવળ સોમનાથ મહાદેવના મંદિરે જવા રવાના થઈ હતી.

રોકાણ કરી યાત્રાનું વેરાવળ સોમનાથ જવા પ્રયાણ
આ શિવયાત્રા 12 જ્યોતિર્લિંગના દર્શન કરી, 14,500 કિમીની યાત્રા કરીને બાદમાં વારાણસી પહોંચશે. ત્યાં 13માં જ્યોતિર્લીંગની સ્થાપના કરવામાં આવશે. જસદણના રામેશ્વર મહાદેવ મંદિર ખાતે સૌરાષ્ટ્રની ધરાની પરંપરા મુજબ સાધુ-સંતોને રાત્રી રોકાણ કરાવી ભોજન જમાડી બીજા દિવસે સવારે ચા-નાસ્તો કરાવી ત્યારબાદ વિદાય આપી હતી. જો કે સવારે વિદાય સમયે પણ શિવભક્તોનું ઘોડાપૂર દર્શનાર્થે ઉમટી પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...